વાગરા તાલુકાના કડોદરા ગામની પ્રાથમિક શાળામાં ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી અત્યંત ભાવપૂર્ણ અને ગૌરવશાળી માહોલમાં કરવામાં આવી હતી. સરકારના દીકરીને સલામ દેશને નામ અભિયાનને સાર્થક કરતા, આ વર્ષે ગામની દીકરીના હસ્તે જ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. જ્યારે દીકરીએ તિરંગો લહેરાવી સલામી આપી, ત્યારે ઉપસ્થિત સૌ ગ્રામજનોની આંખોમાં ગર્વની લાગણી છલકાઈ હતી.
આ પ્રસંગે ગામના સરપંચ યોગેશભાઈ તથા ગામના અન્ય અગ્રણીઓ અને આગેવાનો વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નારી શક્તિના સન્માનના પ્રતીક રૂપે, સરપંચ યોગેશભાઈ દ્વારા ધ્વજવંદન કરનાર દીકરીને સન્માન પત્ર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ પહેલ દ્વારા ગ્રામજનોમાં દીકરીઓના શિક્ષણ અને સન્માન પ્રત્યે એક સકારાત્મક સંદેશ વહેતો થયો હતો.
શાળાના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહી રાષ્ટ્રીય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને દીકરીઓના સન્માનના સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com