રાષ્ટ્રભાવના અને રમતગમતના ઉત્સાહ સાથે આજરોજ ફેથ કેલ્વરી સેકન્ડરી સ્કૂલના આંગણે ત્રિવેણી સંગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. શાળા દ્વારા 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણીની સાથે વાર્ષિક ખેલોત્સવ 2025-26નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શિસ્ત, સાહસ અને સાંસ્કૃતિક વારસાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. રાષ્ટ્રધ્વજને સલામી આપીને કરવામાં આવી હતી. ત્યારબાદ આકાશમાં ગુંજતા દેશભક્તિના નારાઓ વચ્ચે વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ માર્ચપાસ્ટ કરી પોતાની એકતાનું દર્શન કરાવ્યું હતું. રમતગમત પ્રત્યે રુચિ કેળવવા માટે શાળાના વિદ્યાર્થીઓને રેડ, બ્લૂ, યેલો અને ગ્રીન એમ ચાર હાઉસમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. મેદાન પર અંદાજે 26 જેટલી વિવિધ રમત સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ અને વિદ્યાર્થીનીઓ માટે ખો-ખોની મેચોમાં ભારે રસાકસી જોવા મળી હતી.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રી-પ્રાઈમરી અને પ્રાઈમરી વિભાગના નાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ માસ ડ્રિલ નૃત્ય રહ્યું હતું. સંગીતના તાલે અને રંગબેરંગી વેશભૂષામાં સજ્જ બાળકોના સુમેળભર્યા સ્ટેપ્સે વાલીઓ અને મહેમાનોની ખૂબ વાહવાહી મેળવી હતી. આ સમગ્ર ભવ્ય આયોજન ડૉ. હીના, ડૉ. ટી. એમ. ઓંકાર અને શ્રીમતી આશા ઓંકારના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. શાળા મેનેજમેન્ટે આ સફળતાનો શ્રેય શિક્ષકો, બિન-શિક્ષક સ્ટાફ અને ઉત્સાહી એન્કર ટીમને આપ્યો હતો. અંતમાં, શાળા પ્રશાસન દ્વારા તમામ વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિતોનું મોઢું મીઠું કરાવી આનંદની વહેંચણી કરવામાં આવી હતી.


Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com