Geo Gujarat News

વાગરા: રહાડ પ્રાથમિક શાળામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, સક્ષમ શાળા એવોર્ડથી સન્માનિત થઈ શાળા

​વાગરા તાલુકાની રહાડ પ્રાથમિક શાળામાં ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ૭૭મા પ્રજાસત્તાક દિવસની અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પટેલ સાયમાબેન શહીદભાઈના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. તિરંગાને સલામી આપ્યા બાદ સમગ્ર વાતાવરણ દેશભક્તિના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ​આ અવસરે ગત વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જન્મેલી ૬ જેટલી દીકરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ દેશપ્રેમની ભાવના સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત ગ્રામજનોને મંત્રમુગ્ધ કર્યા હતા.ઉલ્લેખનીય છે કે, લીમડી ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં પ્રાથમિક શાળા, રહાડને સક્ષમ શાળા એવોર્ડ પ્રાપ્ત થયો હતો, જે શાળા માટે ગૌરવની ક્ષણ બની રહી હતી. ​શાળાના વિકાસમાં સહયોગ આપનાર દાતાઓ પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં બાળકોને સ્કૂલ શૂઝ, આ વર્ષે દાનમાં મળેલ સ્કૂલ યુનિફોર્મ તેમજ અનેક દાતાઓ તરફથી વિદ્યાર્થીઓને સિવિલિયન કપડાંની પણ ભેટ આપવામાં આવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ વસ્તુઓનું દાન કરનાર તમામ દાતાઓનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે રહાડ ગામના માર્ગો પર એક ભવ્ય દેશભક્તિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં તિરંગા અને રાષ્ટ્રપ્રેમના નારાઓ સાથે નીકળેલી આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના કારણે સમગ્ર ગામનું વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ રેલી દ્વારા ગ્રામજનોમાં એકતા અને દેશપ્રેમનો સુંદર સંદેશ ફેલાવવામાં આવ્યો હતો.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.