ભારતભરમાં આજે ૭૭મા પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વાગરા તાલુકા કક્ષાના મુખ્ય કાર્યક્રમનું આયોજન લીમડી ખાતે ગૌરવપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું. સમગ્ર તાલુકા ભરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેની મુખ્ય કડીરૂપ આ કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જિલ્લા પુરવઠા અધિકારી (DSO) સાહેબના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તિરંગો લહેરાવ્યા બાદ રાષ્ટ્રગીતના ગાન સાથે ઉપસ્થિત સૌ કોઈએ માતૃભૂમિને સલામી આપી હતી. આ અવસરે વાગરાના મામલતદાર મીનાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મામલતદાર કચેરીનો સ્ટાફ, વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ અને તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ઉજવણીના ભાગરૂપે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. દેશભક્તિના ગીતો પર નાના ભૂલકાઓના નૃત્ય અને નાટકોએ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. વિદ્યાર્થીઓમાં રહેલી શિસ્ત અને રાષ્ટ્રપ્રેમની ભાવના જોઈને અધિકારીશ્રીઓએ તેમને બિરદાવ્યા હતા. લીમડી ખાતેના આ મુખ્ય કાર્યક્રમ ઉપરાંત સમગ્ર વાગરા તાલુકાની તમામ સરકારી કચેરીઓ, શાળાઓ અને પંચાયત ભવનોમાં પણ ધામધૂમથી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વાગરા પંથક આજે વહેલી સવારથી જ દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ નાગરિકોને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com