ભરૂચ જિલ્લા કક્ષાના ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આ વર્ષે આમોદના રેવા શુગર ગ્રાઉન્ડ ખાતે અત્યંત હર્ષોલ્લાસ અને ગરિમાપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. આ અવસરે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ નિર્ધારિત સમયે ધ્વજારોહણ કરી રાષ્ટ્રધ્વજને ગૌરવભેર સલામી આપી હતી.
ત્યારબાદ તેમણે ખુલ્લી જીપમાં સવાર થઈ શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાએ નર્મદા કિનારે વસેલા ભરૂચ જિલ્લાના ઐતિહાસિક વારસાને યાદ કરી તેનું ગૌરવગાન કર્યું હતું. તેમણે જિલ્લામાં ચાલી રહેલા વિવિધ લોકકલ્યાણકારી અને વિકાસલક્ષી પ્રકલ્પોની વિગતો જનતા સમક્ષ રજૂ કરી પ્રગતિશીલ ભરૂચનો ચિતાર આપ્યો હતો.
ઉજવણી દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા આકર્ષક ટેબ્લો રજૂ કરી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. જોકે, સમગ્ર કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર ભરૂચ પોલીસનો સિલ્કી ડોગ રહ્યો હતો. જટિલ ગુનાઓના ભેદ ઉકેલવામાં પાયાની ભૂમિકા ભજવનાર આ ડોગની કામગીરીનું જીવંત નિદર્શન જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા.
આ ઉપરાંત, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને પ્રાચીન-અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી સાંસ્કૃતિક માહોલ જમાવ્યો હતો. કલેક્ટરશ્રીએ આ કૃતિઓ રજૂ કરનાર દરેક શાળાના બાળકોના ઉત્સાહને વધારવા માટે રૂ. ૫૧,૦૦૦ના પ્રોત્સાહક ઇનામની જાહેરાત કરી હતી.
આ મંચ પરથી વિશિષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ, શ્રેષ્ઠ નાગરિકો, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તેમજ દિવ્યાંગ પ્રતિભાઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત કલેક્ટર અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ ગરિમામય કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક, ધારાસભ્યો, પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક સહિત આમોદ નગરપાલિકા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023