Geo Gujarat News

નાના બાળકોના શિસ્તબદ્ધ પ્રદર્શનથી સૌ મંત્રમુગ્ધ — આમોદની બચ્ચોકા ઘર શાળામાં 77મા પ્રજાસત્તાક દિવસ ઉજવાયો

આમોદ શહેર સ્થિત બચ્ચોકા ઘર શાળામાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી અત્યંત સમાદર, શિસ્ત અને દેશભક્તિથી ભરપૂર વાતાવરણમાં કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત પવિત્ર તિલાવત-એ-કુરઆનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો, વાલીઓ તથા શાળાના સ્ટાફનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, ગામના આગેવાનો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પ્રમુખ સ્થાન પર મોલાના અતિક સાહેબ બરોડવી, વિશેષ અતિથિ તરીકે મોલાના રફીક અતિથી બરોડવી, મોહતમિમ તથા ટ્રસ્ટી બસીર રાણા, મોલાના યુસુફ નાથા, મોલાના યુસુફ ભરકોડરા તથા સેક્રેટરી ઇબ્રાહીમ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેના બાદ દેશભક્તિના નારા સાથે સમગ્ર શાળા પરિસર રાષ્ટ્રીય ગૌરવથી ગુંજી ઉઠ્યો હતો.કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ દેશપ્રેમને પ્રતિબિંબિત કરતા ભાષણો, દેશભક્તિ ગીતો, નૃત્ય તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા. ખાસ કરીને નાના બાળકોના શિસ્તબદ્ધ અને આત્મવિશ્વાસભર્યા પ્રદર્શનથી ઉપસ્થિત જનસમૂહ ભાવવિભોર બન્યો હતો.આ અવસરે બચ્ચોકા ઘર શાળાના ટ્રસ્ટી તથા મુખ્ય સંચાલક બસીર રાણા દ્વારા પ્રેરણાદાયક ભાષણ આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દેશ માટે મહાન સ્વાતંત્ર્યસેનાનીઓએ આપેલા અમૂલ્ય બલિદાનના કારણે જ આજે આપણે સ્વતંત્ર ભારતના નાગરિક છીએ અને દેશપ્રેમ, એકતા તથા શિસ્ત જીવનના મૂળભૂત મૂલ્યો છે. શાળાના સ્ટાફની સક્રિય હાજરી અને સુવ્યવસ્થિત આયોજનના કારણે સમગ્ર કાર્યક્રમ ગૌરવપૂર્ણ અને સફળ રહ્યો હતો. અંતે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહેમાનો, વાલીઓ તથા બાળકોને મીઠાઈ આપી આત્મીય વિદાય આપવામાં આવી હતી.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.