પ્રાથમિક મિશ્ર શાળા રોઝાટંકારીયા ખાતે 77મો પ્રજાસત્તાક દિવસ અત્યંત ઉત્સાહ, ગૌરવ અને આનંદના માહોલમાં ઉજવાયો હતો. આ પ્રસંગે ગામના માનનીય સરપંચ શ્રી ધમેન્દ્રભાઈ ગિરધરભાઈ પંડવી, ડેપ્યુટી સરપંચશ્રી, ગામ પંચાયતના સભ્યો, ગ્રામજનો, શાળાના આચાર્ય શ્રી વિપુલસિંહ રાજપૂત, સમગ્ર શિક્ષક સ્ટાફ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ગામ પંચાયત કચેરી ખાતે ધ્વજવંદનથી કરવામાં આવી હતી, ત્યારબાદ પ્રાથમિક મિશ્ર શાળા રોઝાટંકારીયાના પ્રાંગણમાં ધ્વજવંદન યોજાયું. સરકારશ્રીના પરિપત્ર મુજબ ગામની સૌથી વધુ ભણેલી દીકરીના હસ્તે ધ્વજવંદન કરવાની પરંપરા અનુસાર પટેલ શબનમબેન ઝાકીરભાઈના કરકમળે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ અવસરે SMC સભ્યોના હસ્તે શબનમબેન ઝાકીરભાઈ પટેલને સ્મૃતિપત્ર તથા સન્માનપત્ર આપી ગૌરવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું તથા દીકરીઓને વધુમાં વધુ શિક્ષણ પ્રાપ્ત કરવાની પ્રેરણાદાયક અપીલ કરવામાં આવી હતી.શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેમાં દેશભક્તિ ગીતો, નૃત્ય અને ભાષણ દ્વારા સૌમાં રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર થઈ હતી. સરપંચશ્રી ધમેન્દ્રભાઈ તથા ગામજનો દ્વારા બાળકોને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જ્યારે ગામ પંચાયત તરફથી તમામ બાળકોને આજાદી પર્વની પ્રસાદી પણ વિતરણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, આચાર્ય શ્રી વિપુલસિંહ રાજપૂતના સંચાલન હેઠળ આમોદ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન પ્રાથમિક મિશ્ર શાળા રોઝાટંકારીયાને “સક્ષમ શાળા” તરીકે સન્માનપત્ર પ્રાપ્ત થયું હતું, જે સમગ્ર શાળા પરિવાર અને ગામ માટે ગૌરવની વાત બની હતી.આ શુભ પ્રસંગે ગામજનો તથા શાળા પરિવાર દ્વારા શાળાની સતત પ્રગતિ થાય અને ભવિષ્યમાં વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023