દેશભરમાં ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વડદલા ગામની પ્રાથમિક શાળા ખાતે પણ રાષ્ટ્રીય પર્વ અને શાળાના વાર્ષિકોત્સવનો દ્વિવેણી સંગમ રચાયો હતો. આ કાર્યક્રમમાં ગામની એકતા અને બાળકોની કલા-કૌશલ્યનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે રાષ્ટ્રગીતના સૂર અને દેશભક્તિના નારાઓ સાથે થઈ હતી. ગામના ડેપ્યુટી સરપંચ શ્રી અનિલસિંહ યાદવના હસ્તે ગરિમાપૂર્ણ રીતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ ગર્વભેર તિરંગાને સલામી આપી રાષ્ટ્ર પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ડેપ્યુટી સરપંચશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા વિદ્યાર્થીઓને દેશના જવાબદાર નાગરિક બનવા માટે પ્રેરિત કર્યા હતા. ધ્વજવંદન બાદ શાળાના વાર્ષિકોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના-નાના ભૂલકાઓથી માંડીને ઉચ્ચ પ્રાથમિકના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. દેશભક્તિના ગીતો પર નૃત્ય, સામાજિક સંદેશ આપતા નાટકો અને પિરામિડ જેવી કૃતિઓએ ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વાર્ષિકોત્સવના માધ્યમથી બાળકોએ પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
આ ડબલ ઉત્સવમાં ગામના તલાટી ચંપાબેન, શાળાના આચાર્ય વિનોદભાઈ તથા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યશ્રીએ શાળાની વાર્ષિક પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો અને તલાટી ચંપાબેને દીકરીઓના શિક્ષણ અને ગ્રામીણ વિકાસમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં માત્ર શાળા પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર વડદલા ગામના ગ્રામજનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આખું વાતાવરણ દેશ ભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમના અંતે તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરી મોં મીઠું કરાવી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com