Geo Gujarat News

ભરૂચ પોલીસની આ આક્રમક કાર્યવાહીથી પરપ્રાંતમાં છુપાઈને બેઠેલા ગુનેગારોમાં ફફડાટ, આર્મ્સ એક્ટનો ફરાર આરોપી ઝડપાયો

ભરૂચ શહેરના સી.ડિવિઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમે આંતરરાજ્ય ઓપરેશન પાર પાડીને આર્મ્સ એક્ટના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ એવા મુખ્ય આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે. મધ્યપ્રદેશના ગરોલી ગામનો વતની રાજેશકુમાર બ્રીજલાલ અહિરવાર (૨૯ વર્ષ), જે પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો હતો, તેને નોઈડા ખાતેથી દબોચી લેવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ભરૂચ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી રાજેશ અહિરવાર હાલમાં નોઈડામાં એમીટી યુનિવર્સિટી નજીક આવેલી ‘જ્યાલ આપકા’ નામની એક નાસ્તાની દુકાનમાં છુપાઈને નોકરી કરી રહ્યો છે. આ બાતમીને આધારે ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈ પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયલ ટીમ તાત્કાલિક નોઈડા રવાના કરવામાં આવી હતી. સ્થાનિક તપાસ બાદ ટીમે આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી છે. તેણે સ્વીકાર્યું હતું કે અગાઉ ઝડપાયેલા અન્ય આરોપી સોનુ મુંજાલાલ શાહને તેણે જ દેશી હાથ બનાવટનો તમંચો પૂરો પાડ્યો હતો. આ ગુનામાં તેની સંડોવણી ખુલતા પોલીસ લાંબા સમયથી તેની શોધખોળ કરી રહી હતી. આ સફળ કામગીરીમાં સર્વેલન્સ ટીમના સભ્યો એ.એન. ચૌધરી, ધર્મેન્દ્રભાઈ, રાકેશજી અને ગોપાલભાઈ સહિતના પોલીસ કર્મીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હાલ આરોપીને ભરૂચ લાવીને તેના અન્ય કોઈ ગુનાહિત કનેક્શન છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.