ભરૂચ જિલ્લાની હાંસોટ પોલીસે બે દાયકા જૂના વણઉકેલ્યા કેસમાં મોટી સફળતા મેળવી છે. છેતરપિંડી અને વિશ્વાસઘાત જેવા ગુનાઓમાં સંડોવાયેલ અને છેલ્લા ૨૪ વર્ષથી કાયદાની પકડથી દૂર ભાગતા ચંન્દ્રકાંત ઉર્ફે ચંદુલાલ જમનાદાસ ઉનડકરને પોલીસે આખરે સાહોલ ચેક પોસ્ટ પરથી દબોચી લીધો છે. ૭૨ વર્ષની વય ધરાવતો આ આરોપી વર્ષ ૨૦૦૨થી પોલીસને થાપ આપી રહ્યો હતો. રાજકોટના મિલપરા વિસ્તારમાં રહેતા ચંન્દ્રકાંત ઉનડકર સામે વર્ષ ૨૦૦૨માં હાંસોટ પોલીસ મથકે IPCની કલમ ૪૨૦ અને ૪૦૬ હેઠળ છેતરપિંડીના ત્રણ અલગ-અલગ ગુનાઓ નોંધાયા હતા. આરોપી લાંબા સમય સુધી હાજર ન થતા કોર્ટે તેની સામે CRPC-70 મુજબનું વોરંટ પણ ઇશ્યૂ કર્યું હતું. તેમ છતાં, આરોપી પોતાની ઓળખ છુપાવીને છેલ્લા ૨૪ વર્ષથી નાસતો ફરતો હતો.
અંકલેશ્વર વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી હાંસોટ પોલીસની ટીમ સતર્ક હતી. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. પિયેજા અને સબ ઇન્સ્પેક્ટર પી.કે. રાઠોડને સચોટ બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી રાજકોટથી સુરત તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે સાહોલ ચેક પોસ્ટ પર કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસે આરોપીને ઓળખી કાઢી તેની અટકાયત કરી હતી. આ મહત્વપૂર્ણ કામગીરીમાં હાંસોટ પોલીસ ઇન્સ્પેક્ટર: એમ.કે. પિયેજા, સબ ઇન્સ્પેક્ટર: પી.કે. રાઠોડ, એ.એસ.આઈ. ભુપતસિંહ જેસીંગભાઇ નો સમાવેશ થાય છે. ૨૪ વર્ષ પછી થયેલી આ ધરપકડ એ સાબિત કરે છે કે કાયદાના હાથ લાંબા હોય છે. હાંસોટ પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેનાથી રીઢા ગુનેગારોમાં સ્પષ્ટ સંદેશ ગયો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com