Geo Gujarat News

વાગરા મામલતદારનો કાળઝાળ પ્રહાર, ખનીજ માફિયાઓના આંતરડા કંપાવી દેતી કાર્યવાહી, એક જ દિવસમાં ૧૬૬ ટન ગેરકાયદે ખનીજ ઝડપી પાડ્યું!

એક જ ઝાટકે ૧૬૬ ટન બિનઅધિકૃત ખનીજ સીઝ કરાયું : વાગરા તાલુકામાં બેફામ બનેલા ખનીજ ચોરો પર મામલતદાર મીનાબેન પટેલે જાણે સર્જિકલ સ્ટ્રાઈક કરી હોય તેમ એક જ દિવસમાં કુલ ૪ હાઈવા ડમ્પરો ઝડપી પાડીને ભૂમાફિયાઓના કાળા કારોબારના કડકિયા ભચડી નાખ્યા છે. કપચી ભરેલા ડમ્પર બાદ, મામલતદારે વાગરાની GEB ચોકડી પાસે સપાટો બોલાવી વધુ ૩ રેતી ભરેલા હાઈવા જપ્ત કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. તંત્રના આ રૌદ્ર સ્વરૂપને જોઈને સરકારી તિજોરી લૂંટતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.વાગરા મામલતદારે ૧૬૬ ટન ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો : મામલતદારની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં ૪૪.૫ ટન રેતી સાથે GJ-16-AY-7105, ૪૦ ટન રેતી સાથે GJ-16-AY-7179 અને એક કાયદાને ઠોકરે મારતો નંબર પ્લેટ વગરનો ૪૩ ટન રેતી ભરેલો હાઈવા ઝડપાયો છે. આમ, એક જ દિવસમાં કુલ ૧૨૭ ટન રેતી અને ૩૯ ટન કપચી મળી કુલ ૧૬૬ ટનથી વધુનો બિનઅધિકૃત જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરતા આ વાહનોને વાગરા પોલીસના હવાલે કરી, તંત્રએ સાબિત કરી દીધું છે કે વાગરાની ધરા પર હવે ખનીજ ચોરોની કોઈ પણ સેટિંગ ચાલશે નહીં.નંબર પ્લેટ વગરના વાહનો ફેરવતા ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવી : ખાસ કરીને નંબર પ્લેટ વિના હાઈવા દોડાવી કાયદાને પડકારનારા તત્વોને મામલતદારે કડક પાઠ ભણાવ્યો છે. એક સાથે ૪-૪ ડમ્પરો પર તવાઈ બોલાવી મામલતદાર મીનાબેન પટેલે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, ખનીજ ચોરીનું નેટવર્ક ગમે તેટલું મજબૂત હોય, તંત્રની બાજ નજરથી બચવું અશક્ય છે. અગાઉ ઝડપાયેલા ૩ ડમ્પરો હજુ મુક્ત થયા નથી ત્યાં વધુ ૪ ડમ્પરો સીઝ થતા ખનીજ માફિયાઓની કમર તૂટી ગઈ છે અને સમગ્ર પંથકમાં મામલતદારની આ કડક કામગીરીની પ્રશંસા થઈ રહી છે.હજુ તો આ શરૂઆત છે! ખનીજ માફિયાઓને મામલતદાર હજુ પણ મોટી સરપ્રાઈઝ આપે તેવી પ્રબળ શક્યતા : વાગરામાં એક જ દિવસમાં ૪ ડમ્પરો સીઝ કરીને મામલતદાર મીનાબેન પટેલે જે પ્રકારે સપાટો બોલાવ્યો છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે આ માત્ર ટ્રેલર છે, અસલી પિક્ચર હજુ બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મામલતદાર આગામી દિવસોમાં ખનીજ ચોરીના મૂળ સુધી પહોંચવા માટે વધુ ગુપ્ત અને આકસ્મિક ઓપરેશન હાથ ધરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. રાત્રિના અંધકારમાં કે અંતરિયાળ માર્ગો પર છૂપી રીતે ચાલતા કાળા કારોબાર પર તંત્રની બાજ નજર છે, અને કોઈપણ ક્ષણે ભૂમાફિયાઓના અડ્ડાઓ પર ગાજ પડી શકે છે. મામલતદારના આક્રમક મિજાજને જોતા એટલું ચોક્કસ કહી શકાય કે, વાગરામાં ખનીજ લૂંટ ચલાવનારા તત્વો માટે હવે ભાગવું મુશ્કેલ જ નહીં પણ અશક્ય બનશે. મામલતદારની આગામી સરપ્રાઈઝ કાર્યવાહી કયા મોટા માથાની શાન ઠેકાણે લાવશે, તેના પર હવે સૌની મીટ મંડાયેલી છે.વાગરાથી નારેશ્વર સુધી ખનીજ માફિયાઓમાં ભૂકંપ, મામલતદારના કડક તેવર જોઈ ભૂમાફિયાઓ ભૂગર્ભમાં ઉતર્યા! : વાગરા મામલતદાર મીનાબેન પટેલની આ સર્જિકલ સ્ટ્રાઈકની ધાક માત્ર વાગરા તાલુકા પૂરતી સીમિત રહી નથી, પરંતુ તેનો ફફડાટ છેક નારેશ્વર સુધીના ખનીજ ચોરોમાં પ્રસરી ગયો છે. એક જ દિવસમાં ૧૬૬ ટન ખનીજ જપ્ત કરી મામલતદારે જે રીતે કાયદાનો દંડો ઉગામ્યો છે, તેના પડઘા સમગ્ર પંથકમાં પડી રહ્યા છે. નારેશ્વર પટ્ટામાં સક્રિય ખનીજ માફિયાઓ પણ હવે ફાટી આંખે તંત્રની હિલચાલ જોઈ રહ્યા છે અને મામલતદારની ગાડી કઈ બાજુ વળશે તે ડરથી અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થંભી ગઈ છે. જે માફિયાઓ અત્યાર સુધી તંત્રને ઘોળીને પી જતા હતા, તેઓમાં હવે એવો તે ફફડાટ વ્યાપ્યો છે કે અનેક ડમ્પર ચાલકોએ પકડાઈ જવાના ડરથી પોતાના વાહનોના પૈડાં થંભાવી દીધા છે. મામલતદારની આ અવિરત કૂચને જોતા એવું લાગે છે કે હવે વાગરાથી નારેશ્વર સુધીના સમગ્ર ખનીજ ચોરીના નેટવર્કનું આવી બન્યું છે!રેતી-કપચી બાદ હવે માટી ચોરોનો વારો, વાગરા પંથકમાં ચાલતા ગેરકાયદે માટી ખનન પર મામલતદારની લાલ આંખ : વાગરામાં રેતી અને કપચી માફિયાઓની કમર તોડ્યા બાદ, હવે મામલતદાર મીનાબેન પટેલનું આગામી નિશાન તાલુકામાં ધમધમતું ગેરકાયદે માટી ખનન હોય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. વાગરાના ગ્રામ્ય વિસ્તારોમાં પરવાનગી વિના ખેતરો અને સરકારી જમીનોમાંથી માટી ઉલેચતા તત્વો સામે તંત્ર હવે ફુલ એક્શન મોડમાં આવી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રેતીના ડમ્પરો પકડાયા બાદ હવે માટીના ગેરકાયદે વહન પર રોક લગાવવા માટે મામલતદાર દ્વારા ખાસ વ્યૂહરચના ઘડવામાં આવી છે. કોઈપણ જાતની રોયલ્ટી ભર્યા વિના કુદરતી સંપત્તિ લૂંટતા માટી માફિયાઓ પર ગમે તે ક્ષણે તવાઈ બોલાવવામાં આવી શકે છે. મામલતદારના આ આકરા વલણને જોતા હવે માટી ખનન સાથે સંકળાયેલા માથાભારે તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે કે, રેતી બાદ હવે તેમનો હિસાબ થવાની ઘડીઓ ગણાઈ રહી છે.ઝડપાયેલા ડમ્પર ચાલકો સામે કાયદાની કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે : ઝડપાયેલા તમામ ડમ્પરના માલિકો વિરુદ્ધ કાયદા મુજબ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગેરકાયદે ખનીજ વહન અને નિયમોનું ઉલ્લંઘન કરવાના ગુનામાં તેમની સામે દંડ વસૂલાત, વાહન જપ્તી તેમજ જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જેથી આવનારા સમયમાં કોઈપણ તત્વ ખનીજ ચોરી કરવાની હિંમત ન કરી શકે એવો સ્પષ્ટ સંદેશ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે.ખનીજ માફિયાઓ સામે મામલતદારની કડક કાર્યવાહીને લઈ લોકોમાં વ્યાપક પ્રશંસા : મામલતદાર મીનાબેન પટેલ દ્વારા ખનીજ ચોરી સામે હાથ ધરાયેલી આ કડક અને નિર્ભય કાર્યવાહીની સ્થાનિક લોકો તેમજ જાગૃત નાગરિકોમાં વ્યાપક સરાહના થઈ રહી છે. એક જ દિવસમાં મોટા પાયે ગેરકાયદે ખનીજ જપ્ત કરીને તંત્રએ જે દ્રઢતા દર્શાવી છે, તેને લોકો કાયદાના શાસનનું જીવતું ઉદાહરણ ગણાવી રહ્યા છે. વર્ષોથી બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે આખરે તંત્રએ આંખમાં આંખ નાખી કાર્યવાહી કરી હોવાનો સંતોષ લોકો વ્યક્ત કરી રહ્યા છે અને આવી જ સતત કાર્યવાહી થતી રહે તેવી માંગ પણ ઉઠી રહી છે.

વાગરા: ખનીજ માફિયાઓના કાળા કારોબાર પર મામલતદારનો પ્રહાર, રોયલ્ટી ચોરોની શાન ઠેકાણે લાવતી કડક કાર્યવાહી

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.