વાગરા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા સાયખા GIDC વિસ્તારમાં વાહનચાલકોની સુરક્ષા સામે ઉભું થયેલું એક મોટું જોખમ જીઓ ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ દૂર કરવામાં આવ્યું છે. સાયખાથી વાગરા તરફ જતા માર્ગ પર, જય કેમિકલ ચોકડી નજીક અને ઇકો ફાઇન કેમ કંપનીની સામે આવેલી એક ખાનગી બિલ્ડીંગ પર લગાવવામાં આવેલી હાઈ-વોલ્ટેજ LED લાઈટ વાહનચાલકો માટે આફત સમાન બની હતી.
આ લાઈટનો પ્રકાશ એટલો તીવ્ર હતો કે રાત્રિના સમયે પસાર થતા વાહનચાલકોની આંખો અંજાઈ જતી હતી, જેના કારણે ક્ષણભર માટે રસ્તો દેખાતો બંધ થઈ જતો હતો. નોંધનીય છે કે આ ચોક્કસ સ્થળે બે જોખમી વળાંકો આવેલા છે, જ્યાં દ્રશ્યતા ઘટવાને કારણે ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓમાં આ બાબતે ભારે રોષ હતો અને તેઓ બિલ્ડીંગ માલિકોની બેદરકારી સામે સવાલ ઉઠાવી રહ્યા હતા.
આ ગંભીર સમસ્યાને વાચા આપતા જીઓ ગુજરાત ન્યૂઝ દ્વારા વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. સમાચાર પ્રસિદ્ધ થતાની સાથે જ તંત્ર અને બિલ્ડીંગ સંચાલકો હરકતમાં આવ્યા હતા. જનતાની સુરક્ષાને ધ્યાને રાખીને, જોખમી સાબિત થઈ રહેલી આ LED લાઈટને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવી છે. ન્યૂઝ ઈમ્પેક્ટના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળતા સ્થાનિક વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com