Geo Gujarat News

વાગરા: એક ભૂલ અને સીધો મોતનો ખાડો! સુવા ચોકડી પર કામદારોની જિંદગી જોખમે, સ્લીપર પહેરી સેફટી વિના ઊંચાઈ પર કામ, તંત્ર મૌન

વાગરા તાલુકાના સુવા ચોકડી નજીક ચાલી રહેલું કામ સેફટી નિયમોની ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતું હોવાના દ્રશ્યો સામે આવતા ગંભીર ચિંતા ઊભી થઈ છે. અહીં કોઈપણ પ્રકારના સુરક્ષા ધોરણોનું પાલન કર્યા વિના ઊંચાઈ પર કામદારોને જીવના જોખમે કામ પર ધકેલવામાં આવી રહ્યા છે. પાઇપલાઇન ઉપર બેસી કામ કરતા મજૂરોના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે સ્પષ્ટ રીતે બતાવે છે કે, માનવ જીવનને અહીં કોઈ મૂલ્ય આપવામાં આવતું નથી. કામગિરી દરમિયાન એક પણ કામદાર સેફટી બેલ્ટ, હેલ્મેટ કે સેફટી શુઝ પહેરેલો જોવા મળતો નથી. ચોંકાવનારી બાબત એ છે કે ફરજિયાત સેફટી શુઝના બદલે કામદારો ચપ્પલ કે સ્લીપર પહેરીને ઊંચાઈ પર કામ કરતા નજરે પડે છે. નીચે ખુલ્લી જગ્યા હોવા છતાં કોઈ રેલિંગ, નેટ કે અન્ય સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે નાનકડી બેદરકારી પણ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.આ સમગ્ર દ્રશ્ય કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્રની ઘોર બેદરકારીને ઉજાગર કરે છે. નિયમો કાગળ પર જ સીમિત રાખી મજૂરોને મોતના મુખે ધકેલવામાં આવી રહ્યા છે. હવે અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે કે જો કોઈ ગંભીર અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લેશે? શું માનવ જીવની કિંમત માત્ર એક કામ પૂરુ કરવા જેટલી જ છે? સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યાંથી પસાર થતા એક વાહન ચાલકે આ વીડિયો બનાવી વાયરલ કર્યો છે. અને સંબંધિત વિભાગો અને અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર તપાસ કરી કામ બંધ કરાવી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, જેથી કોઈ અપરિવર્તનીય દુર્ઘટના બનતાં પહેલા કામદારોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.