Geo Gujarat News

આમોદમાં બુલડોઝર એક્શનથી હલચલ: મારુવાસ ટાવર વિસ્તારમાં વર્ષો જૂનું મકાન ધરાશાયી, નોટિસ મુદ્દે વિવાદ

આમોદ શહેરના ટાવર વિસ્તાર નજીક આવેલા મારુવાસ વિસ્તારમાં નગરપાલિકાએ સરકારી જમીન પરથી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરતાં વર્ષો જૂના એક રહેણાંક મકાનને તોડી પાડ્યું, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે. નગરપાલિકાની ટીમે ટૂંકી સમયમર્યાદાની નોટિસ બાદ કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે અસરગ્રસ્ત પરિવાર અચાનક પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો. નગરપાલિકાના જણાવ્યા અનુસાર સિટી સર્વે નંબર 3591 હેઠળ આવતી આ જમીન સરકારી માલિકીની છે.અને તેના પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે મકાનધારકને અગાઉ પણ વારંવાર સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ નિર્ધારિત સમયમર્યાદામાં જગ્યા ખાલી ન થતાં અંતે બુલડોઝર કાર્યવાહી અનિવાર્ય બની. આ સ્થળે તળાવના સૌંદર્યીકરણનું કામ મંજૂર થયેલું છે તેમજ નજીકની જર્જરિત આંગણવાડી ઇમારત બાળકો માટે જોખમરૂપ બની શકે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે, તેથી વિકાસકાર્યો માટે જગ્યા ખાલી કરવાની જરૂરિયાત હોવાનું નગરપાલિકા માને છે.તો બીજી તરફ મકાન માલિક અલ્તાફ સિદ્દી બાદશાહે નગરપાલિકાની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે તેઓ છેલ્લા લગભગ પચાસ વર્ષથી અહીં વસવાટ કરે છે અને 1998ના નગરપાલિકાના ઠરાવ હોવા છતાં રેકોર્ડમાં નામ ન ચઢવાનું કારણ પ્રશાસનિક ભૂલ છે.તેમણે આક્ષેપ કર્યો કે અન્ય વિસ્તારોમાં આવેલા દબાણોને લાંબી મુદત આપવામાં આવી, જ્યારે તેમના મકાન માટે માત્ર થોડા કલાકોની નોટિસ આપવી અન્યાયસભર છે. નગરપાલિકા વિકાસ અને જાહેર સુરક્ષાનું કારણ રજૂ કરી રહી છે, જ્યારે અસરગ્રસ્ત પરિવાર સમાનતા અને ન્યાયની માંગ ઉઠાવી રહ્યો છે. આ ઘટના બાદ આમોદ શહેરમાં બુલડોઝર કાર્યવાહી, નોટિસની પ્રક્રિયા અને દબાણ હટાવવાની નીતિ અંગે ચર્ચા વધુ તેજ બની છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.