વાગરા તાલુકાની સાયખા GIDC હાલ ઔદ્યોગિક વિકાસ નહીં પરંતુ વહીવટી બેદરકારીનું પ્રતીક બની ગઈ છે. કરોડો રૂપિયાના ટર્નઓવર ધરાવતી આ GIDCના મુખ્ય માર્ગો પર ઠેર-ઠેર ફૂટે મપાય એવા ઊંડા ખાડાઓ સર્જાયા છે, જે હવે વાહન ચાલકો માટે સીધો જીવનો જોખમ બની રહ્યા છે. ખાસ કરીને જય કેમિકલથી PERSTORP તરફ જતા માર્ગ પર ક્રિષ્ના સોલ્વ કેમ નજીક પડેલો ભયાનક ખાડો અકસ્માતનું કેન્દ્ર બની રહ્યો છે, છતાં જવાબદાર વિભાગો આંખ મીંચીને બેઠા હોય તેવી સ્થિતિ છે. આ ખાડો એટલો ઊંડો છે કે ભારદારી વાહનનું આખું ટાયર તેમાં સમાઈ જાય છે. પરંતુ ખાડામાં સતત પાણી ભરાયેલું રહેતાં તેની ઊંડાઈનો અંદાજ આવતો નથી. પરિણામે બહારથી આવતા ટ્રક, ટેન્કર અને ડમ્પર જેવા વાહનો અહીં વારંવાર ફસાઈ જાય છે. ચાલકની સહેજ ભૂલ પણ વાહન પલટી જાય તેવી ભયજનક પરિસ્થિતિ સર્જી રહી છે. છેલ્લા પાંચ દિવસમાં અહીં ચારથી વધુ ભારદારી વાહનો ફસાયા હોવાની ચર્ચા છે, જેના કારણે વાહન માલિકોને આર્થિક નુકશાન વેઠવું પડી રહ્યું છે.
સ્થાનિક વાહન ચાલકો તો આ માર્ગની ભયાનક સ્થિતિથી વાકેફ થઈ ગયા હોવાથી મોટાભાગે આ રસ્તો ટાળવા લાગ્યા છે. પરંતુ GIDCમાં માલસામાન લાવવા-લઈ જવા આવતા બહારના વાહનો આ ખાડાનો ભોગ બની રહ્યા છે. વારંવાર થતી આવી ઘટનાઓ છતાં તંત્ર તરફથી કોઈ ચેતવણી બોર્ડ, બેરિકેડિંગ કે તાત્કાલિક રિપેરિંગ સુધી કરવામાં આવ્યું નથી, જે ગંભીર બેદરકારી દર્શાવે છે. માત્ર એક માર્ગ નહીં પરંતુ સાયખા GIDCના મોટાભાગના આંતરિક રસ્તાઓ ખખડધજ બની ગયા છે. તૂટેલા રસ્તાઓ પરથી પસાર થતા વાહનોને કારણે ભારે ધૂળ ઉડતી હોવાથી આસપાસના ઉદ્યોગો, કામદારો અને સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઔદ્યોગિક વિસ્તારમાં મૂળભૂત સુવિધા ગણાતા રસ્તાઓની આવી દયનીય હાલત ઉદ્યોગકારો અને ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ ફેલાવી રહી છે.
અહીં પ્રશ્ન એ છે કે, જ્યારે કોઈ મોટો અકસ્માત સર્જાશે ત્યાર બાદ જ તંત્ર જાગશે કે કેમ? સાયખા GIDC જેવી મહત્વની ઔદ્યોગિક ઝોનમાં જો રસ્તાઓની આવી હાલત રહેશે તો વિકાસના દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત રહેશે. હવે તાત્કાલિક ધોરણે જોખમી ખાડાઓ પુરવાની અને રસ્તાઓનું મરામત કાર્ય શરૂ કરવાની અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com