Geo Gujarat News

વાગરા: લોખંડના ટેકાએ ટકેલો પુલ, ઉપરથી પસાર થતા 50 ટનના ટ્રકો, નવો પુલ અધૂરો, જૂનો જર્જરિત! બેફામ ટ્રાફિક વચ્ચે મોટી દુર્ઘટનાનો ભય!

૨૦ ટનની લિમિટ સામે ૫૦ ટનના ટ્રકોની દોડધામ! જર્જરિત ચાંચવેલ બ્રિજ ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ : વાગરા તાલુકામાં ચાંચવેલ નજીક આવેલ અત્યંત મહત્વનો પુલ હાલ મોતના કાંઠે ઉભો હોય તેવી ભયજનક સ્થિતિમાં છે. દહેજ અને ગંધાર જેવા મોટા ઔદ્યોગિક વિસ્તારોને જોડતો આ પુલ આજે વહીવટી બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયો છે. પુલની હાલત એટલી જર્જરિત બની ગઈ છે કે તૂટી ન પડે તે માટે નીચે લોખંડના સળિયા અને એંગલોનો ટેકો આપવો પડ્યો છે, છતાં પણ પુલ પરથી દિવસ-રાત 40 થી 50 ટન વજન ધરાવતા ભારદારી ટ્રકો બેફામ રીતે પસાર થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કોઈ પણ ક્ષણે મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં. સરકારી નિયમો અનુસાર આ પુલ પરથી 20 ટનથી વધુ વજનના વાહનોને પસાર થવા દેવાની મનાઈ છે. અને તે માટે સૂચના બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, આ તમામ નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે. કારણ કે આ માર્ગ આમોદ અને દહેજને જોડતો મુખ્ય માર્ગ હોવાથી હજારો મીઠાના ટ્રકો સહિતના ભારે વાહનો અવિરત આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે. આગળ આવો જોખમી પુલ હોવાની કોઈ અસરકારક ચેતવણી વ્યવસ્થા ન હોવાથી બહારના વાહન ચાલકો અજાણતાં જ જીવના જોખમે આગળ વધી રહ્યા છે, જેના કારણે પુલની સ્થિતિ દિવસેને-દિવસે વધુ બગડી રહી છે.નવા બ્રિજનું કામ કાચબા ગતિએ, જૂના બ્રિજ પર યમરાજનો પહેરો! : સ્થાનિક લોકોમાં આ મુદ્દે લાંબા સમયથી ભારે ચિંતા પ્રવર્તી રહી છે. આશરે છ મહિના પહેલા પણ ચાંચવેલ ગામના સરપંચે જાતે સ્થળ પર જઈ પુલની ગંભીર હાલતનો અભ્યાસ કર્યો હતો. અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પુલ અત્યંત જર્જરિત બની ગયો છે. પુલની બાજુમાં નવા બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે, પરંતુ ચોમાસા બાદ પણ કામની ગતિ મંડ રહી હોવાથી આજદિન સુધી નવો પુલ તૈયાર થઈ શક્યો નથી. પરિણામે જૂના પુલ પર વધતું ભારદારી ટ્રાફિક વધુ જોખમી સાબિત થઈ રહ્યું છે. સરપંચે તે સમયે તંત્રને કડક પગલાં લેવા માટે તાકીદ કરી હતી. અને જ્યાં સુધી નવો પુલ તૈયાર ન થાય ત્યાં સુધી જૂના પુલ પરથી 20 ટનથી વધુ વજન ધરાવતા વાહનોના પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી હતી. તેમણે સૂચન કર્યું હતું કે પુલની બંને બાજુ યોગ્ય એંગલ લગાવી ડાયવર્ઝન આપવામાં આવે તેમજ ભારદારી વાહનોને અટકાવવા પોલીસ તહેનાત કરવામાં આવે. છતાં આ સૂચનોને ગંભીરતાથી લેવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે.મોટી હોનારત બાદ જ તંત્ર જાગશે? : આજે સ્થિતિ એવી છે કે એક બાજુથી ઔદ્યોગિક ટ્રાફિકનો દબાણ અને બીજી બાજુથી જર્જરિત પુલ-આ બંને વચ્ચે કોઈ મોટી દુર્ઘટના માત્ર સમયની રાહ જોતી હોય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. જો આ બ્રિજ તૂટી પડે અને જાનમાલનું નુકશાન થાય તો તેની જવાબદારી કોણ લેશે? તે પ્રશ્ન સ્થાનિકોમાં ભારે ચિંતા અને રોષ ઉભો કરી રહ્યો છે. તંત્ર હવે પણ નહીં જાગે તો કોઈ મોટો અકસ્માત બાદ જ પગલાં લેવાશે કે કેમ, તે સૌથી મોટો સવાલ બની રહ્યો છે.યુવા કોંગ્રેસનો આક્રોશ, તંત્ર શું લાશો ગણવાની રાહમાં છે? : આ અત્યંત ગંભીર બાબતે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપ પ્રમુખ ઈમ્તિયાઝ પટેલે વહીવટી તંત્રની ઝાટકણી કાઢતા ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચાંચવેલ નજીકનો આ પુલ મોતના મુખ સમાન છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. સત્તાધીશો અને અધિકારીઓ કદાચ કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લેવાય અને મોટી જાનહાનિ થાય તેની જ રાહ જોઈ રહ્યા હોય તેવું ફલિત થાય છે. ઈમ્તિયાઝ પટેલે સીધો આક્ષેપ કર્યો હતો કે પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનોની જે બેરોકટોક અવરજવર ચાલુ છે. તે તંત્રની મિલીભગત કે નિષ્ક્રિયતા વિના શક્ય નથી. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો તાત્કાલિક ધોરણે આ જોખમી પુલ પર ભારે વાહનો અટકાવવામાં નહીં આવે અને પ્રજાની સુરક્ષા માટે યોગ્ય પગલાં નહીં લેવાય, તો યુવા કોંગ્રેસ દ્વારા આવનારા દિવસોમાં જનતાના હિતમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. તેમ પણ જણાવાયું છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.