Geo Gujarat News

કરજણ: નારેશ્વર નર્મદા કાંઠે ભીની રેતીનું બિનઅધિકૃત ખનન-વહન, લોકોમાં ભારે જનઆક્રોશ, આંદોલન ઉગ્ર કરવાની ચીમકી

નારેશ્વર વિસ્તારમાં નર્મદા નદીના કાંઠે રાત્રિના સમયે બિનઅધિકૃત રીતે ભીની રેતીનું મોટા પાયે ખનન કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. લીઝ વિસ્તારનો ગેરવપરાશ કરીને પાણીવાળી ભીની રેતી ઉપાડવામાં આવી રહી હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. પાલેજ-નારેશ્વર માર્ગ પરથી પસાર થતાં રેતી ભરેલા ડમ્પરોમાંથી પાણી સતત વહી રહ્યું છે, જેના કારણે રોડ આખો ભીનો બની જાય છે. પરિણામે ખાસ કરીને બાઈક ચાલકો માટે આ માર્ગ જોખમભર્યો સાબિત થઈ રહ્યો છે અને વારંવાર લપસી પડવાના અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ પરિસ્થિતિના કારણે ગંભીર દુર્ઘટના થવાની ભીતિ ઊભી થઈ છે.આ સ્થિતિ સામે મંગળવાર રાત્રે નર્મદા કાંઠાના ગામોમાં જનઆક્રોશ ફાટી નીકળ્યો હતો. સારીગ ગામે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ રેતી ખનન બંધ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન પાલેજ-નારેશ્વર રોડ પરથી પસાર થતા અંદાજે 70થી 80 જેટલા પાણીવાળી ભીની રેતી ભરેલા ડમ્પરોને લોકોએ અટકાવ્યા હતા.જનઆક્રોશ દરમિયાન સારીગ ગામના સરપંચ રાજેન્દ્રભાઈ પરમાર અને કરજણના એડવોકેટ તેમજ સામાજિક કાર્યકર્તા મિનેશ પરમારે કરજણ મામલતદાર, પ્રાંત અધિકારી અને ખાણ-ખનિજ વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમનું કહેવું હતું કે કરજણ તાલુકાના રાજકીય આગેવાનોના દબાણને કારણે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને બિનઅધિકૃત ખનન સામે કોઈ કડક કાર્યવાહી થતી નથી. સ્થાનિક આગેવાનોએ તંત્રને ચેતવણી આપી છે કે જો રાત્રિના સમયે ચાલી રહેલા ભીની રેતીના ખનન અને ડમ્પરો સામે તાત્કાલિક અસરકારક પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. હાલ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.