ભરૂચમાં કાયદો અને વ્યવસ્થા જેવું કઈ બચ્યું જ નથી કે શું? તેવો વેધક સવાલ હાલ ઉભો થયો છે. થોડા દિવસો પહેલા જ શહેરમાં ઘેટાં-બકરાંની જેમ શ્રમિકોને ટેમ્પોમાં ભરીને લઈ જવાતો વિડીયો વાયરલ થયો હતો, જેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં હવે ભરૂચના અત્યંત વ્યસ્ત ગણાતા આઈકોનીક રોડ પર સ્કૂલના માસૂમ વિદ્યાર્થીઓને રીક્ષામાં ક્ષમતા કરતા વધુ, ઠાંસી-ઠાંસીને ભરીને લઈ જવાતો વિડીયો વાયરલ થતાં તંત્રની આબરૂના ધજાગરા ઉડ્યા છે. વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્કૂલે મોકલે છે, પરંતુ અહીં તો સ્કૂલ વર્ધીના વાહનોમાં બાળકોનું જીવન જ જોખમમાં મુકાઈ રહ્યું છે. એક નાનકડી ભૂલ કે અકસ્માત આ માસૂમો માટે જીવલેણ સાબિત થઈ શકે છે, છતાં રીક્ષા ચાલકો બેફામ બન્યા છે.
સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન એ છે કે શહેરના મુખ્ય માર્ગો પર છડેચોક ટ્રાફિક અને RTO ના નિયમોના લીરેલીરા ઉડતા હોવા છતાં જવાબદાર તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી કેમ જાગતું નથી? શું શ્રમિકો અને હવે વિદ્યાર્થીઓની આ જોખમી સવારી પોલીસ અને RTO અધિકારીઓને દેખાતી નથી? કે પછી તેઓ કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને કોઈનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યા છે? ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરનારા આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં તંત્રને શેનું પેટમાં દુઃખે છે? આ વિડીયો માત્ર એક ચેતવણી નથી પણ તંત્રની નિષ્ક્રિયતા પર પડેલો તમાચો છે. જો તાત્કાલિક ધોરણે આવા ઓવરલોડેડ વાહનો સામે લાલ આંખ કરવામાં નહીં આવે, તો સર્જાનારી દુર્ઘટના માટે સીધેસીધું તંત્ર જ જવાબદાર ગણાશે તેવી લોક ચર્ચાઓ વહેતી થઈ છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com