આમોદથી પુરસા તરફ જતા PWD માર્ગ પર પાઇપલાઇન નાખવાના કામને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. આમોદ નગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોમાં જણાવ્યા અનુસાર SJMM SVY યોજના અંતર્ગત ભૂગર્ભ ગટર લાઇનનું કામ હાથ ધરવામાં આવ્યું છે તેમજ NH-64 જંબુસર–ભરૂચ માર્ગ પર DI પાઇપલાઇન ક્રોસિંગ માટે મંજૂરી લેવા બાબતે પત્રવ્યવહાર કરવામાં આવ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે.જોકે, બીજી તરફ PWD વિભાગના જવાબદાર અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેમના વિભાગમાંથી આ કામ માટે કોઈપણ પ્રકારની સત્તાવાર મંજૂરી લેવામાં આવી નથી. આ નિવેદન બાદ સમગ્ર મામલે ગેરરીતિ અને પ્રશાસનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સ્થળ પર ચાલી રહેલા ખોદકામ દરમિયાન માર્ગ પર ગેરરીતે પાઇપલાઇન નાખવામાં આવી હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. અંદાજ મુજબ પાઇપલાઇન ઉપર યોગ્ય રીતે માટીનું પુરાણ ન કરાતા રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે દૈનિક અવરજવર જોખમી બની ગઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
આ મામલે વિપક્ષ કોંગ્રેસ પક્ષે પ્રશાસન સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો સાથે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા સ્થળ મુલાકાત દરમિયાન પહેલેથી આવેલી પાણીની પાઇપલાઇન તૂટી ગયેલી જોવા મળ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક પ્રતિનિધિઓનું કહેવું છે કે નગરપાલિકા તથા સંબંધિત અધિકારીઓને અગાઉ કોઈ સ્પષ્ટ જાણ કરવામાં આવી નહોતી અને પછીથી માત્ર દસ્તાવેજો બતાવી કામ યોગ્ય હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેનાથી નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની કામગીરી શંકાના દાયરામાં આવી છે.
વિપક્ષ દ્વારા નગરપાલિકાને લેખિત રજૂઆત કરી માંગ કરવામાં આવી છે કે પાઇપલાઇન નાખવા માટે ખરેખર યોગ્ય મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. સાથે જ તૂટી ગયેલી પાઇપલાઇન અને ગેરરીતે થયેલા ખોદકામ માટે જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હાલ સમગ્ર મામલો આમોદમાં ચર્ચાનો વિષય બન્યો છે અને નગરપાલિકાના દસ્તાવેજોમાં દર્શાવેલી મંજૂરી પ્રક્રિયા અને PWD વિભાગના પરવાનગી ન હોવાના દાવા વચ્ચે સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. હવે પ્રશાસન આ ગંભીર મુદ્દે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023