વાગરા તાલુકામાં આવેલા અખોડ અને ગલેન્ડા ગામની સીમમાં ધમધમતી કોન્ટિનેન્ટલ કાર્બન ઈકો ટેકનોલોજી પ્રા. લિ. કંપની દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણે માઝા મૂકી છે. આજરોજ વહેલી સવારે કંપની દ્વારા મોટા પ્રમાણમાં હવામાં કાર્બનના કાળા રજકણો છોડવામાં આવતા સમગ્ર વિસ્તારમાં કાળી ચાદર પથરાઈ ગઈ હતી. આ ઝેરી કાર્બન લોકોના ઘરો, અનાજ, પાણી અને પહેરેલા કપડાં પર જામી જતાં સ્થાનિક રહીશોનું જનજીવન ભારે મુશ્કેલીમાં મુકાયું છે.
સૌથી ગંભીર અસર અખોડ ગામના ભુલકાઓ પર જોવા મળી રહી છે. શાળામાં શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓના યુનિફોર્મ અને શરીર પર કાર્બનની રજકણો ચોંટી જવાથી વાલીઓમાં રોષ છે. સતત ઉડતા આ પ્રદૂષણને કારણે બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ચામડીના રોગો થવાની ફરિયાદો ઉઠી છે. તેમ છતાં જવાબદાર તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.
અખોડ ગામના સરપંચ નરેન્દ્રસિંહ સોલંકીએ તંત્રની ઉદાસીનતા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ ગંભીર સમસ્યા અંગે અગાઉ અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે. એટલું જ નહીં, ગત તારીખ ૧૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી રાત્રિ સભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ આજદિન સુધી કંપની વિરુદ્ધ કોઈ પણ પ્રકારની નક્કર કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી, જે શંકા પ્રેરે છે.
સરપંચ નરેન્દ્રસિંહ સોલંકીએ હવે વહીવટી તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, જો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી આ કંપની સામે તાત્કાલિક કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ગ્રામજનો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન અને ઉપવાસ પર ઉતરશે. હાલ તો પ્રદૂષણથી ત્રસ્ત ગ્રામજનો પ્રશાસન સામે મીટ માંડીને બેઠા છે કે, ક્યારે આ ઝેરી પ્રદૂષણમાંથી તેમને મુક્તિ મળે છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com