Geo Gujarat News

વાગરાના હાર્દસમા વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકનું એલાર્મ બેકાબૂ!, વારંવાર વાગતા સાયરનથી લોકોમાં કુતૂહલ અને અચરજ

​વાગરાના હાર્દસમા વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંક હાલમાં એક વિચિત્ર ટેક્નિકલ સમસ્યાનો સામનો કરી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. બેંકની શાખામાં લગાવવામાં આવેલું ઇમરજન્સી એલાર્મ કોઈ પણ કારણ વગર, દિવસ હોય કે રાત, અચાનક વાગવાનું શરૂ થઈ જાય છે. આ શાખા મુખ્ય માર્ગની તદ્દન નજીક આવેલી હોવાથી, જ્યારે પણ એલાર્મનું સાયરન વાગે છે ત્યારે રસ્તે જતા રાહદારીઓ અને આસપાસના વેપારીઓ ચોંકી ઉઠે છે. ટેક્નિકલ ક્ષતિને કારણે ઉદ્ભવેલી આ સમસ્યાને લીધે લોકોમાં ક્યારેક ભય તો ક્યારેક અચરજની લાગણી જોવા મળી રહી છે.સૌથી ગંભીર બાબત એ છે કે આ ઘટના વારંવાર બની રહી હોવાથી લોકો હવે આ સાયરનને ગંભીરતાથી લેવાનું ટાળી રહ્યા છે. જાગૃત નાગરિકોમાં એવી ચિંતા સેવાઈ રહી છે કે જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે, તો ભવિષ્યમાં વાઘ આવ્યો…વાઘ આવ્યો… જેવી વાર્તા જેવો ઘાટ સર્જાઈ શકે છે. એટલે કે, જો ખરેખર કોઈ લૂંટ કે ઈમરજન્સી જેવી ઘટના બને અને ત્યારે સાયરન વાગે, તો લોકો તેને ટેક્નિકલ ખામી સમજીને દુર્લક્ષ કરે તેવી શક્યતા છે. આથી, કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં અથવા ખરા સમયે લોકો મદદ માટે ન આવે તેવી સ્થિતિ સર્જાય તે પહેલાં, બેંક સત્તાધીશો દ્વારા આ ટેક્નિકલ ખામીને સત્વરે રીપેર કરવામાં આવે તે અત્યંત જરૂરી જણાય રહ્યું છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.