Geo Gujarat News

આમોદમાં શ્વાન આતંક લોહિયાળ બન્યો, અડધો કલાકમાં ૭ વ્યક્તિ અને ૨૪ કલાકમાં ૪ બાળકો સહિત કુલ ૧૧ લોકો શિકાર, નગરજનોમાં ભારે ફફડાટ

આમોદ નગરમાં રખડતા શ્વાનોનો ત્રાસ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે માત્ર છેલ્લા અડધો કલાકના ટૂંકા ગાળામાં જ શ્વાનોએ વધુ 7 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી દીધાના અહેવાલ સામે આવ્યા છે. આ પહેલાં, છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રમી રહેલા ચાર માસૂમ બાળકો પર પણ શ્વાનોએ ઘાતકી હુમલા કર્યા હતા. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાળકોને પ્રાથમિક સારવાર માટે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને વધુ ગંભીર હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. આમ, ટૂંકા ગાળામાં જ કુલ ૧૧ જેટલા લોકો શ્વાન આતંકનો ભોગ બનતા વાલીઓમાં અને નાગરિકોમાં સુરક્ષાને લઈને ગંભીર ચિંતા જન્મી છે.આ ઘટનાઓના પગલે રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરીએ જઈને ઉગ્ર રજૂઆતો કરી હતી. જેના પ્રત્યુત્તરમાં તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને શ્વાન પકડનાર ટીમ દ્વારા ૧૧ જેટલા રખડતા શ્વાનોને પકડી પાડવામાં આવ્યા હતા. પાલિકાના જણાવ્યા અનુસાર, પકડાયેલા શ્વાનોમાંથી હડકવાના લક્ષણો ધરાવતા બે શ્વાનોને અલગ તારવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, મુખ્ય અધિકારીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે દરબાર રોડ સહિતના વિસ્તારોમાં જાહેરમાં શ્વાનોને ખવડાવતા લોકો સામે હવે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે આવી પ્રવૃત્તિઓ શ્વાનોને વધુ આક્રમક બનાવી રહી છે.જોકે, તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબરો જાહેર કરવા અને શ્વાન પકડવાની કામગીરી શરૂ કરવા છતાં નગરજનોનો ડર ઓછો થયો નથી. લોકોનું કહેવું છે કે તંત્ર હંમેશા કોઈ મોટી દુર્ઘટના બાદ જ જાગે છે. રાત્રિના સમયે વાહનચાલકો પાછળ દોડતા શ્વાનો અને બાળકોને બહાર રમવા જવામાં લાગતો ડર હજુ પણ યથાવત છે. નગરજનો હવે માત્ર કામચલાઉ ઉકેલ નહીં, પરંતુ રસીકરણ, ખસીકરણ અને કડક અમલવારી સાથે કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે, જેથી વાઘ આવ્યો વાઘ આવ્યો..જેવી કહેવત ફરી સાર્થક ન થાય અને ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.