વાગરા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા દહેજ ખાતે આવેલી સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં તાજેતરમાં શિક્ષણ જગતના ભવિષ્યને કંડારતો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. કોલેજ પરિસરમાં ટુવર્ડ્સ ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ઇન એજ્યુકેશન, રિફ્લેક્શન્સ ઓન ઈન્ડિયાઝ NEP-2020 (વૈશ્વિક શૈક્ષણિક ધોરણો તરફ: ભારતની NEP-2020 પર ચિંતન) વિષય પર એક દિવસીય આંતરરાષ્ટ્રીય હાઇબ્રિડ સિમ્પોઝિયમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને નૉલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) ના સંયુક્ત ઉપક્રમે, ઉચ્ચ શિક્ષણમાં સંશોધનને વેગ આપતી યોજના અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) ના સંદર્ભમાં ભારતીય શિક્ષણ વ્યવસ્થાને વૈશ્વિક કક્ષાએ લઈ જવા માટેના પડકારો અને તકોની ચર્ચા કરવાનો હતો. આ સિમ્પોઝિયમની વિશેષતા એ હતી કે તે હાઇબ્રિડ મોડમાં (ઓનલાઈન અને ઓફલાઈન) યોજાયો હતો, જેના કારણે ભૌગોલિક સીમાઓ દૂર થઈ હતી. કાર્યક્રમમાં ભારત સહિત કુલ ૧૦ વિવિધ દેશોના શિક્ષણવિદો, સંશોધકો અને નિષ્ણાતોએ સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આ દરમિયાન વિજ્ઞાન, વાણિજ્ય, માનવિકી (Arts), મેનેજમેન્ટ, શિક્ષણ શાસ્ત્ર (Pedagogy) અને સામાજિક નીતિઓ જેવા વિવિધ ક્ષેત્રોને આવરી લેતા કુલ ૪૧ મૌલિક સંશોધન પેપરો રજૂ કરવામાં આવ્યા હતા, જે કોલેજની એક મોટી શૈક્ષણિક સિદ્ધિ છે.
કાર્યક્રમના મુખ્ય વક્તાઓ તરીકે આમંત્રિત પ્રોફ. (ડૉ.) જગદીશ જોશી અને પ્રોફ. ડૉ. પરિન સોમાણીએ પોતાના વક્તવ્યમાં શિક્ષણમાં નવીનતા (Innovation), સંશોધન સંસ્કૃતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે સજ્જ થવા અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુકાન સિમ્પોઝિયમ કન્વીનર ડૉ. લીના દવે અને સંયોજક ડૉ. ગૌરવ ઉપાધ્યાયે સંભાળ્યું હતું. આયોજનને સફળ બનાવવા માટે કોલેજની ઓર્ગેનાઈઝિંગ કમિટીના સભ્યો ડૉ. મિલ્વી વ્યાસ, શિલ્પા રાણપુરા, ડૉ. નીરવ પંડ્યા અને શ્રી અભિષેક વિશ્વકર્માએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓને પ્રમાણપત્રો એનાયત કરી આભાર વિધિ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. દહેજ જેવી ઔદ્યોગિક પટ્ટીમાં આવેલી કોલેજમાં આવું ઉચ્ચ સ્તરીય શૈક્ષણિક આયોજન થવું એ સમગ્ર પંથક માટે ગૌરવની બાબત છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com