Geo Gujarat News

આમોદમાં નેશનલ હાઈવે ૬૪ મૌતનો કૂવો બન્યો? મંત્રીના ગયા બાદ તંત્રની કામગીરી કાચબા ગતિએ, પ્રજા ધૂળની ડમરીઓમાં શ્વાસ લેવા મજબૂર!

આમોદ નગરમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૬૪ હાલ વાહનચાલકો અને સ્થાનિક રહીશો માટે જીવલેણ કોરિડોર અને ધૂળિયો માર્ગ બની ગયો છે. તંત્રની ઘોર બેદરકારી અને આંખ આડા કાન કરવાની નીતિને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. રસ્તાની હાલત એટલી હદે દયનીય છે કે અહીંથી પસાર થવું એ કોઈ સજાથી ઓછું નથી. રોડ પરના તોતિંગ ખાડા અને સતત ઉડતી ધૂળની ડમરીઓએ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે, છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. સૌથી મોટો અને શરમજનક પ્રશ્ન એ છે કે, શું આ લોકશાહીમાં સુવિધાઓ માત્ર નેતાઓ અને મંત્રીઓ માટે જ અનામત છે? સ્થાનિકોમાં પ્રબળ રોષ ભભૂકી રહ્યો છે કે તાજેતરમાં જ્યારે મંત્રીશ્રીનો કાફલો અહીંથી પસાર થવાનો હતો, ત્યારે તંત્રએ રાતોરાત જાગીને પાણીનો છંટકાવ અને સમારકામનું નાટક રચ્યું હતું. પરંતુ મંત્રીના ગયા બાદ આ કામગીરી જાણે હવામાં ઓગળી ગઈ છે. મંત્રીના આગમન સમયે જે કામ બુલેટ ટ્રેનની ગતિએ ચાલતું હતું, તે હવે અચાનક કાચબા ગતિ પકડીને બેસી ગયું છે. આ ઘટના તંત્રની બેધારી નીતિ અને વાહવાહી લૂંટવાની માનસિકતાનો જીવંત પુરાવો છે. સામાન્ય જનતા ધૂળ ખાય અને નેતાઓ માટે લીલાલહેર? આ કેવો ન્યાય?વર્તમાન પરિસ્થિતિ એટલી વિકટ છે કે રસ્તા પર ઠેર-ઠેર લોખંડના સળિયા બહાર ડોકિયાં કરી રહ્યા છે, જે અજાણ્યા વાહનચાલકો માટે ગંભીર અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે. એક તરફ ઉડતી ધૂળથી શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે અને વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે, તો બીજી તરફ બહાર નીકળેલા સળિયાઓ ટાયર ફાટવા અને જીવલેણ અકસ્માતોનું કારણ બની રહ્યા છે. છતાં તંત્ર પાણી છાંટવાની સામાન્ય તસ્દી પણ લેતું નથી. પ્રજાની સહનશક્તિનો હવે અંત આવી રહ્યો છે. લોકોની સ્પષ્ટ અને ઉગ્ર માંગ છે કે તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને તાત્કાલિક ધોરણે રસ્તા પર નિયમિત પાણીનો છંટકાવ કરે તેમજ જોખમી કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરે. જો તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય, તો તે અત્યંત શરમજનક બાબત છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.