આમોદ તાલુકાના ઇખ્ખર ગામમાં એક ખેતરમાં અજગર જોવા મળતાં ગામમાં અચાનક ભય અને કૂતુહલનો માહોલ સર્જાયો હતો. ખેતરમાં હાજર સ્થાનિક યુવાનોને કામકાજ દરમિયાન અચાનક ઝાડીઓ વચ્ચે અજગર નજરે પડ્યો હતો. અજગર દેખાતાં તેઓએ તરત જ સતર્કતા દાખવી આસપાસના લોકોને દૂર રહેવા જણાવ્યું અને પરિસ્થિતિને સંભાળી હતી. યુવાનો પહેલાથી જ સ્થળ પર હાજર હોવાથી તેમણે સમય ગુમાવ્યા વગર સાવચેતીપૂર્વક અજગરનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. યોગ્ય તકેદારી રાખી અને કોઈ જોખમ ન સર્જાય તે રીતે તેમણે અજગરને કાબૂમાં લીધો હતો.
સમગ્ર પ્રક્રિયા દરમિયાન આસપાસના લોકોને સલામત અંતરે રાખવામાં આવ્યા હતા જેથી કોઈને ઈજા ન થાય. અજગર મળ્યાની વાત ગામમાં ફેલાતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ યુવાનોની હિંમત અને સમજદારીથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહી હતી. રેસ્ક્યુ બાદ અજગરને સુરક્ષિત રીતે રાખી વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી તેને તેના કુદરતી નિવાસસ્થાને છોડવાની કાર્યવાહી થઈ શકે. વન વિભાગ દ્વારા ગામલોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે અને કોઈ પણ વન્યજીવ દેખાય તો પોતે જોખમ ન લેતા તરત જ સંબંધિત અધિકારીઓને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે. સ્થાનિકોએ યુવકોની બહાદુરી અને સમયસૂચકતાની પ્રશંસા કરી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023