Geo Gujarat News

વાગરા: સરકારી જમીન પર ગેરકાયદેસર રસ્તો બનાવવાના બહાને ખનીજની લૂંટ, સરપંચ અને તલાટી સામે ફોજદારી અને પદભ્રષ્ટ કરવાની માંગ સાથે મામલો ગરમાયો!

શુ ખાનગી કંપનીને ફાયદો કરાવવા નિયમો નેવે મુકાયા? : વાગરા તાલુકાના વેંગણી ગામે વાડ જ ચીભડાં ગળે તેવો ઘાટ સર્જાયો છે. ગ્રામ પંચાયત જેનું કામ સરકારી મિલકતનું રક્ષણ કરવાનું છે, તે જ પંચાયતના જવાબદારોએ એક ખાનગી કંપની (G.R. Engineering Pvt. Ltd.) સાથે સાંઠગાંઠ કરી સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોવાનું કૌભાંડ સપાટી પર આવ્યું છે. જાગૃત નાગરિક ઘનશ્યામસિંહ રાજ અને ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને વાગરા પોલીસ સ્ટેશનમાં કરાયેલી લેખિત ફરિયાદો મુજબ પંચાયતે પોતાની સત્તા બહાર જઈને મંજૂરી વિના સરકારી જમીન પર રસ્તો બનાવવાની ગેરકાયદે મંજૂરી આપી દીધી હતી. જેની આડમાં મોટાપાયે માટીની ચોરી કરવામાં આવી છે.બોગસ ઠરાવ અને સત્તાનો દુરુપયોગ? : આ કૌભાંડની શરૂઆત પંચાયતના એક વિવાદાસ્પદ ઠરાવથી થઈ હતી. વેંગણી ગ્રામ પંચાયતે તા. ૧૭/૧૨/૨૦૨૪ ના રોજ ઠરાવ નં. ૪(૨) પસાર કરી જી.આર. એન્જિનિયરિંગ કંપનીને સરકારી સર્વે નં. ૧૨૬, ૨૪૨ અને ૨૪૪ ઉપર રસ્તો બનાવવાની શરતી મંજૂરી આપી હતી. કાયદા મુજબ સરકારી જમીન પર કોઈપણ પ્રવૃત્તિ માટે જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી અનિવાર્ય હોવા છતાં પંચાયત સત્તાધીશોએ કંપનીને ખુલ્લો દોર આપી દીધો હતો. આ ઠરાવના આધારે કંપનીએ કોઈ પણ સક્ષમ અધિકારીની પરવાનગી કે રોયલ્ટી પાસ વિના સરકારી જમીન ખોદી નાખી અને હજારો ટન માટી પોતાની સાઈટ પર ખડકી દીધી હતી.ખાણ-ખનીજ વિભાગના દરોડામાં ભાંડો ફૂટ્યો! : ગ્રામજનોની ફરિયાદ બાદ ખાણ અને ખનીજ વિભાગે ૧ જુલાઈ ૨૦૨૫ ના રોજ સ્થળ તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસમાં ખુલ્યું હતું કે કંપનીએ સરકારી સર્વે નંબરો તેમજ ખાનગી સર્વે નં. ૧૩૩ માંથી કુલ ૩૬૪૭ મેટ્રિક ટન સાદી માટી અને ૪૨ મેટ્રિક ટન બ્લેક ટ્રેપ ખનીજનું બિનઅધિકૃત ખનન અને સંગ્રહ કર્યું હતું. સરકારી જમીનમાંથી ખોદકામ કરી માટી કંપનીમાં ઠાલવવામાં આવી હતી. આ ગેરકાયદે કૃત્ય બદલ ખાણ-ખનીજ વિભાગે કંપનીને દંડ અને પર્યાવરણીય નુકસાની વળતર પેટે કુલ રૂપિયા ૧૭ લાખથી વધુની રકમ ભરપાઈ કરવા નોટિસ ફટકારી છે, જે સાબિત કરે છે કે સ્થળ પર સરકારી ખનીજની ચોરી થઈ છે.સરપંચ અને તલાટી સામે કડક કાર્યવાહીની માંગ: અરજદારોએ આક્ષેપ કર્યો છે કે, આ માત્ર ખનીજ ચોરી નથી, પરંતુ પૂર્વયોજિત કાવતરું છે. પંચાયતને જાણ હોવા છતાં તેઓએ કામ અટકાવ્યું ન હતું અને આંખ આડા કાન કર્યા હતા. અરજદારોએ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૫૭ અને ૫૯ હેઠળ ભ્રષ્ટાચાર, ફરજમાં બેદરકારી અને હોદ્દાના દુરુપયોગ બદલ સરપંચ અને તલાટીને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવા અને તેમની સામે ચોરી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધવા માંગ કરી છે. આ પ્રકરણમાં મોટા પાયે નાણાકીય લેવડદેવડ થઈ હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. હવે જોવું એ રહ્યું કે જિલ્લા તંત્ર આ ગંભીર કૌભાંડમાં સંડોવાયેલા ખનીજ માફિયાઓ અને ભ્રષ્ટ પદાધિકારીઓ સામે કાયદાનો કોરડો ઝીંકે છે કે પછી રાજકીય દબાણમાં આ ફાઈલ પણ ધૂળ ખાતી થઈ જશે.?ખનીજ માફિયાઓનું એપીસેન્ટર? તંત્રની ફરિયાદલક્ષી કાર્યપદ્ધતિ સામે સવાલો : નોંધનીય છે કે, ઔદ્યોગિક રીતે વિકસિત વાગરા તાલુકાના અનેક અંતરિયાળ વિસ્તારોમાં ભૂ-માફિયાઓ બેફામ બન્યા છે. અને કિંમતી સરકારી જમીનોને કોતરી ખાધી છે. અત્યાર સુધીનો ઇતિહાસ સાક્ષી છે કે, મોટાભાગના કિસ્સાઓમાં વહીવટી તંત્ર અમને કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી. તેવું રટણ કરીને લાચારી વ્યક્ત કરતું હોય છે. અથવા આંખ આડા કાન કરતું હોય છે. વેંગણી ગામનો આ કિસ્સો તેનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યાં જાગૃત અરજદાર ધનશ્યામસિંહ રાજ દ્વારા લેખિતમાં પુરાવા સાથેની રજૂઆત અને સતત ફોલોઅપ કરવામાં આવ્યું ત્યારે જ સરકારી તંત્ર હરકતમાં આવ્યું અને આ કૌભાંડનો પર્દાફાશ થયો. આ ઘટના તો માત્ર હિમશીલાની ટોચ સમાન છે. જો જિલ્લા કલેક્ટર અને ખાણ-ખનીજ વિભાગ માત્ર ઓફિસમાં બેસીને ફરિયાદોની રાહ જોવાને બદલે સુઓ-મોટો કે પ્રો-એક્ટિવ બનીને સતર્કતા દાખવે અને તાલુકા ભરમાં સરકારી જમીનોનું આકસ્મિક ચેકિંગ હાથ ધરે, તો વાગરાના અન્ય ગામોમાંથી પણ આનાથી પણ મોટા જમીન અને ખનીજ ચોરીના કૌભાંડો બહાર આવે તેવી પ્રબળ શક્યતા છે.રાત્રિના અંધારામાં ધમધમતું કાળું કામ, નાઈટ પેટ્રોલીંગ થાય તો મોટા માથાઓની સંડોવણી ખુલે! : વિશેષમાં આખા કૌભાંડનું સત્ય તો ત્યારે જ બહાર આવશે જ્યારે ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે રાત્રિના સમયે ઓચિંતી તપાસ હાથ ધરશે. સામાન્ય રીતે દિવસે શાંત જણાતા આવા અંતરિયાળ વિસ્તારોમાં સૂર્યાસ્ત પછી જ કાળું કામ પૂરજોશમાં ચાલતું હોવાની ચર્ચાઓ લોકમુખે છે. ખનીજ માફિયાઓ અંધારાનો લાભ લઈને રોયલ્ટી પાસ વિનાનું પરિવહન અને ગેરકાયદે ખનન બેરોકટોક કરતા હોય છે. જો વહીવટી તંત્ર માત્ર ઓફિસ અવર્સ દરમિયાન તપાસ કરવાને બદલે રાતના સમયે પણ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરે, તો આ નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાય તેમ છે. અને જો આમ થાય, તો ખનીજ ચોરીના આ કાળા કારોબારમાં પડદા પાછળ રહીને દોરીસંચાર કરતા મોટા મગર પણ ઝપટમાં આવી જાય અને કૌભાંડનો રેલો ઉચ્ચ સ્તર સુધી પહોંચે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.ઉપરથી ફોન આવ્યો છે? રાજકીય દબાણ હેઠળ તંત્ર લકવાગ્રસ્ત, અધિકારીઓ લાચાર? : આંતરિક વર્તુળોમાં ચર્ચાઈ રહેલી ગંભીર બાબત મુજબ, આ માત્ર વહીવટી ચૂક નથી પરંતુ તેની પાછળનું કારણ કંઈક અલગ જ છે. આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આવા કૌભાંડમાં ક્યાંક ને ક્યાંક રાજકીય માથાઓની સીધી કે આડકતરી સંડોવણી હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. ઉચ્ચ સ્તરેથી આવતા પોલિટિકલ પ્રેશરના કારણે જ સ્થાનિક વહીવટી તંત્ર જાણે કે લકવાગ્રસ્ત થઈ ગયું હોય તેવી સ્થિતિમાં મુકાય જાય છે. અધિકારીઓ કાયદાનું પાલન કરાવવા ઈચ્છતા હોવા છતાં અદ્રશ્ય રાજકીય દબાણને વશ થઈને હાથના કર્યા હૈયે વાગ્યા જેવી લાચારી અનુભવી રહ્યા છે. આ દબાણની રમતને કારણે જ તંત્ર પારદર્શક તપાસ કરવાને બદલે સમગ્ર પ્રકરણ પર ભીનું સંકેલવા મજબૂર બન્યું હોય તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે.નિષ્પક્ષ તપાસ જ એકમાત્ર ઈલાજ, જો તંત્ર ધારે તો માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી જાય! : આખરે, આ સમગ્ર પ્રકરણનો નિચોડ એ છે કે, જો સરકારી તંત્ર કોઈ પણ શેહશરમ કે બાહ્ય દબાણને વશ થયા વિના સંપૂર્ણ નિષ્પક્ષતા અને તટસ્થતાથી ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે, તો જ આવા બેફામ બની ગયેલા ખનીજ માફિયાઓની સાન ઠેકાણે લાવી શકાય તેમ છે. કાયદાનું શાસન માત્ર કાગળ પર નહીં પણ મેદાન પર દેખાવું જોઈએ. માત્ર દંડ વસૂલીને સંતોષ માનવાને બદલે જો જવાબદારો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે, તો જ ભવિષ્યમાં સરકારી સંપત્તિ પર મેલી નજર નાખનારાઓમાં કાયદાનો ડર પેદા થશે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર કાયમી બ્રેક લાગશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.