તાત્કાલિક બિલ ભરો, નહીંતર કનેક્શન કપાશે: વીજ કંપની બાકી લેણાંની વસૂલાત માટે હવે આકરા પાણીએ જોવા મળી રહી છે. જે ગ્રાહકોના વીજ બિલ લાંબા સમયથી બાકી છે. અથવા ભરવામાં આળસ દાખવી રહ્યા છે. તેમના માથે હવે અંધારપટનું સંકટ તોળાઈ રહ્યું છે. વીજ વિભાગે બાકીદારો સામે લાલ આંખ કરી છે અને ભરૂચ સહિત આસપાસના વિસ્તારોમાં પણ હવે જાહેરમાં લાઉડસ્પીકર દ્વારા ચેતવણી આપવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં સામે આવેલા એક વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. કે વીજ વિભાગ દ્વારા એક રિક્ષામાં લાઉડસ્પીકર લગાવીને ગલીએ-ગલીએ ફરીને જાહેરાત કરવામાં આવી રહી છે. આ જાહેરાત વીજ ગ્રાહકો માટે અગત્યની સૂચના તરીકે પ્રસારિત થઈ રહી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી તારીખ 12 ફેબ્રુઆરી, 2026 ને ગુરુવારના રોજ ભરૂચ જિલ્લામાં વીજ કનેક્શન કાપવા માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ગ્રાહકોને હાલાકી ભોગવવી ન પડે તે માટે અપીલ: જાહેરાતમાં કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતા રાખ્યા વગર સીધી જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વીજ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ગ્રાહકોનું વીજ બિલ ભરવાનું બાકી હોય તેમણે તાત્કાલિક અસરથી બિલ ભરી દેવું. જો નિયત તારીખ એટલે કે 12મી ફેબ્રુઆરી સુધીમાં બિલ ભરપાઈ નહીં થાય, તો કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વગર વીજ જોડાણ ફરજિયાતપણે કાપી નાખવામાં આવશે. આ શબ્દપ્રયોગ સૂચવે છે કે આ વખતે તંત્ર વસૂલાત માટે ખૂબ જ ગંભીર છે. આજે 10 ફેબ્રુઆરી છે. અને તંત્ર દ્વારા આપવામાં આવેલી ડેડલાઈનને હવે ગણતરીના કલાકો એટલે કે માત્ર બે દિવસનો સમય બાકી રહ્યો છે. આ સ્થિતિમાં બાકીદારો માટે હવે સમય ઓછો છે. જો તેઓ 12મી તારીખે થનારી કાર્યવાહીથી બચવા માંગતા હોય તો તેમણે યુદ્ધના ધોરણે પોતાની બાકી રકમ જમા કરાવવી પડશે. વીજ વિભાગે પોતાના સંદેશામાં અંતે ગ્રાહકોને સહકાર આપવા અપીલ કરી છે. જાહેરાતમાં જણાવાયું છે કે ગ્રાહકોનું વીજ જોડાણ કપાતું અટકાવવા માટે તેઓ સમયસર બિલ ભરી દે. કનેક્શન કપાયા બાદ ફરીથી જોડવાની પ્રક્રિયામાં ગ્રાહકોને વધુ મુશ્કેલી અને આર્થિક ભારણ સહન કરવું પડી શકે છે, તેથી સમજદારી દાખવીને વહેલી તકે બિલ ભરી દેવું જ હિતાવહ છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com