Geo Gujarat News

આમોદમાં દબાણ હટાવો ઝુંબેશ, બુલડોઝરની કાર્યવાહી વચ્ચે સમાન ન્યાય અંગે ઉઠ્યા ગંભીર સવાલો

આમોદ નગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. મુખ્ય અધિકારી પંકજ નાયકના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.આ ઝુંબેશ દરમિયાન ભીમપુરા રોડ પર રણજીત ઠાકોરનું કેબિન અને પાકું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું, જ્યારે જલારામ નગર વિસ્તારમાં સલીમ મુલતાનીના ઘર પાસેનું કાચું બાંધકામ જેસીબીની મદદથી તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે, આ કાર્યવાહી બાદ શહેરમાં ભારે ગણગણાટ અને અસંતોષ ફેલાયો છે. અસરગ્રસ્ત મકાન માલિકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી પાલિકામાં નિયમિત વેરો ભરે છે, છતાં પણ માત્ર ગણતરીના અને પસંદગીના દબાણો પર જ કેમ પ્રહારો કરવામાં આવ્યા?સ્થાનિકોમાં એવો આક્રોશ જોવા મળી રહ્યો છે કે શહેરના મુખ્ય બજાર અને ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલા મોટા દબાણો સામે તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે?નગરજનોની સ્પષ્ટ માંગ છે કે પાલિકાની કામગીરી પ્રશંસનીય હોય શકે, પરંતુ તે નિષ્પક્ષ અને પારદર્શક હોવી જોઈએ. પસંદગીના દબાણો દૂર કરવાને બદલે કાયદો સૌની માટે સમાન રીતે લાગુ પડે તે અત્યંત જરૂરી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આમોદ નગરપાલિકા તમામ દબાણો સામે એકસમાન કાર્યવાહી કરીને દાખલો બેસાડે છે કે પછી બુલડોઝર ન્યાય માત્ર વિવાદોમાં જ ઘેરાયેલો રહેશે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.