Geo Gujarat News

આમોદ: ૧૧ મહિનાની રાહ બાદ પણ સભા ન મળી!, પાલિકાના શાસકો વિવાદના વમળમાં, સભા મુલત્વી રાખવા પાછળનું અસલી કારણ શું? જાણો આ એહવાલમાં

આમોદ નગરપાલિકામાં લાંબા સમયના વિરામ બાદ યોજાનારી સામાન્ય સભા ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. આશરે ૧૧ માસના લાંબા અંતરાલ બાદ ગતરોજ બપોરે ૨ કલાકે ખાસ સામાન્ય સભા અને ૩ કલાકે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, નિર્ધારિત સમય પહેલા જ પાલિકાના નોટિસ બોર્ડ પર પ્રમુખ જલ્પાબેન પટેલની તબિયત નાદુરસ્ત હોવાને કારણે સભા મુલત્વી રાખવામાં આવી હોવાની સૂચના લગાડી દેવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. સભા મુલત્વી રહેતા વિપક્ષી સભ્યોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. વિપક્ષના સભ્ય શકીલ કાપડિયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી ત્રિમાસિક હિસાબો મંજૂર કર્યા વિના સત્તાધારી પક્ષ અને મુખ્ય અધિકારી દ્વારા મનસ્વી રીતે ખર્ચાઓ કરવામાં આવ્યા છે. આ આડેધડ ખર્ચાઓ પરની ચર્ચા અને સવાલોથી બચવા માટે જ પ્રમુખે માંદગીનું બહાનું ધરીને સભા ટાળી છે. સભાના એજન્ડામાં શહેરના વિકાસલક્ષી મહત્વના મુદ્દાઓ હોવા છતાં, સત્તાધારી પક્ષની આંતરિક નારાજગી અને વહીવટી નિષ્ફળતાને કારણે નગરના વિકાસ કાર્યો રૂંધાઈ રહ્યા છે.નોંધનીય છે કે, સભાના સમયે સત્તાધારી પક્ષના માત્ર એક સભ્ય બીજલ ભરવાડ હાજર રહ્યા હતા, જ્યારે બાકીના સભ્યોની ગેરહાજરી સૂચક માનવામાં આવી રહી છે. ચર્ચા મુજબ પ્રમુખના વહીવટથી શાસક પક્ષના સભ્યો પણ નારાજ હોવાથી તેઓ સભામાં ડોકાયા ન હોતા. તો બીજી તરફ પ્રમુખ જલ્પાબેન પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ આમોદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હોવાથી અનિવાર્ય સંજોગોમાં સભા મુલત્વી રાખવી પડી છે. અને ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર ચીફ ઓફિસર જાણી જોઈને ગેરહાજર રહ્યા હોવાની વાતો વહેતી થતા, મુખ્ય અધિકારીએ આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભરૂચની પોક્સો કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હોવાથી કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે તેઓ કોર્ટમાં હાજર હતા. આમ, તેમની ગેરહાજરી કોઈ પૂર્વાયોજિત કાવતરું નહીં પણ અનિવાર્ય સરકારી ફરજ હતી.એક તરફ માંદગીનું કારણ અને બીજી તરફ ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે આમોદ નગરપાલિકાનો વહીવટ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહે છે કે નવી સભા ક્યારે યોજાય છે અને તેમાં હિસાબોને લઈને શું ખુલાસા થાય છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.