Geo Gujarat News

વાગરા: ઘરનો મોભી છીનવાતા પરિવારનું હૈયાફાટ રુદન, ભાગીદાર જ બન્યો હત્યારો! જુઓ શું છે સમગ્ર મામલો

સ્પાના ભાગીદારની ક્રૂર હત્યા, મિત્રએ જ ગળું દબાવી લાશને કોથળામાં ભરી ફેંકી દીધી! : વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં ભાગીદારીમાં ચાલતા સ્પાના હિસાબ બાબતે થયેલા ઝઘડામાં યુવકની ઘાતકી હત્યાને પગલે પંથકમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી.આરોપીએ પોતાના જ મિત્ર અને ભાગીદારની હત્યા કરી પુરાવાનો નાશ કરવા માટે લાશને પ્લાસ્ટિકની થેલીમાં બાંધી અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી.પોલીસે આ મામલે એક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) અને ૨૩૮ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મિત્રએ જ રચી મિત્રની મોતના સોદાની સ્ક્રિપ્ટ, કોથળામાં મળેલી લાશે ખોલી ક્રૂર હત્યાની પોલ! : વાગરા પોલીસ ચોપડે નોંધાયેલ ઘટનાક્રમ મુજબ મૃતક કૃણાલભાઈ ચંદુ ભાઈ પટેલ અને આ ઘટનાનો આરોપી મુન્તઝીર પટેલ (રહે. વોરાસમની ગામ, તા. વાગરા) બંને મિત્રો હતા અને સાથે મળીને SAWASDEE SPA ચલાવતા હતા. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સ્પાના હિસાબના પૈસા બાબતે બંને વચ્ચે વિવાદ ચાલતો હતો. આ જ અદાવત રાખીને, ગત તારીખ ૧૧/૦૨/૨૦૨૬ના રોજ આરોપી મુન્તઝીરે કૃણાલ ભાઈને ફોન કરી જણાવ્યુ હતુ કે સ્પા વેચવાનું હોવાથી પાર્ટી પાસેથી રૂપિયા લેવા માટે જવાનું છે. વિશ્વાસમાં લઈને આરોપી કૃણાલભાઈને પોતાની ગાડીમાં બેસાડીને લઈ ગયો હતો. રસ્તામાં કોઈ અવાવરુ સ્થળે આરોપીએ કૃણાલ ભાઈનું નાયલોનની દોરી વડે ગળું ટૂંપો દઈને કરપીણ હત્યા કરી નાંખી હતી.આરોપીએ મૃતકના બંને હાથ પીઠ પાછળ અને પગ દોરીથી બાંધી દીધા હતા.ત્યારબાદ લાશને પ્લાસ્ટિકની મીણીયા થેલીમાં ભરીને રહાડ ગામથી વચ્છનાદ ગામ તરફ જવાના રસ્તા પર આવેલા એક નાળા નીચે ફેંકી દીધી હતી.પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન :  બીજી તરફ કૃણાલભાઈ ઘરે પરત ન ફરતા અને તેમનો મોબાઈલ સ્વિચ ઓફ આવતા પરિવારે શોધખોળ આરંભી હતી.છેવટે કૃણાલ ના પરિવારે ભરૂચ સી.ડિવિઝનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.આ દરમિયાન વાગરા પોલીસને એક બિનવારસી લાશ મળ્યા ની માહિતી મળતા કૃણાલ નો પરિવાર વાગરા ખાતે દોડી ગયો હતો.પરિવારે મૃતદેહની ઓળખ કરતા તે કૃણાલભાઈ હોવાનું સ્પષ્ટ થયુ હતુ. પોલીસના જણાવ્યા અનુસાર, લાશના ગળાના ભાગે ટૂંપો દીધેલા નિશાન મળી આવ્યા હતા. વાગરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.બી. ગોહિલ અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.મારો ભાઈ તો ઘરનો મોભી હતો.. વાગરામાં યુવકની કરપીણ હત્યાથી પરિવાર પર આભ ફાટ્યું : ઘટનાની કરુણતા ત્યારે વધુ ઘેરી બની જ્યારે મૃતકના પરિવારજનોને આ અંગે જાણ થઈ. આક્રંદ અને હૈયાફાટ રુદન સાથે વાગરા દોડી આવેલા પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યાનું ભારે આઘાત સાથે સ્વીકાર્યું હતું. મૃતકના ભાઈ પ્રતીક પટેલે મીડિયા સમક્ષ હૃદયદ્રાવક નિવેદન આપતા જણાવ્યું કે, મારો મોટો ભાઈ અમારા ઘરનો મુખ્ય આધાર સ્તંભ અને મોભી હતો. તેના જવાથી આખું ઘર વેરવિખેર થઈ ગયું છે અને ઘરમાં સન્નાટો છવાઈ ગયો છે. ન્યાયની આશા સાથે તેઓએ માંગ કરી હતી કે, મારા ભાઈની હત્યા કરનારા આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ અને તેમને કોઈપણ સંજોગોમાં છોડવામાં ન આવે.મિત્રએ જ ખેલ્યો લોહિયાળ ખેલ, પેનલ PM થી તપાસ તેજ : ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે પોલીસે તબીબોની વિશેષ પેનલ દ્વારા પીએમ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે, જેથી હત્યાના કારણો અને સમય અંગે સચોટ વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરી શકાય. આ પેનલ પીએમ રિપોર્ટના આધારે પોલીસને તપાસમાં મહત્વની કડીઓ મળવાની આશા છે. આ સાથે જ પોલીસે અલગ-અલગ દિશાઓમાં પુરાવાઓ એકઠા કરી તપાસને વધુ વેગ આપ્યો છે. જેથી ગુનેગાર સામે કાયદાકીય ગાળિયો વધુ મજબૂત કરી શકાય અને પરિવારને ઝડપથી ન્યાય અપાવી શકાય.ક્રૂર હત્યાના કેસમાં વાગરાની આરોગ્ય સુવિધાના લીરેલીરા, મૃતદેહ લઈ જવા માટે સરકારી એમ્બ્યુલન્સ ન મળી, ખાનગી કંપની બની સહારો! : આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સ્થાનિક સુવિધાઓના અભાવ વચ્ચે વિલાયતની કલરટેક્સ કંપનીનો માનવીય અભિગમ અને સહયોગ અત્યંત મહત્વનો રહ્યો હતો. ઘટના સ્થળેથી મૃતદેહને આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવા તેમજ પોસ્ટમોર્ટમ બાદ વાગરાથી ભરૂચ સુધી લઈ જવા માટે કંપનીની એમ્બ્યુલન્સનો સતત ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, આ સેવાએ એક તરફ રાહત આપી તો બીજી તરફ વાગરા પંથકમાં સરકારી એમ્બ્યુલન્સ અને શબવાહિનીની વર્ષો જૂની ખોટને ફરી એકવાર ઉજાગર કરી છે. એક તરફ પરિવાર ન્યાય માટે ઝઝૂમી રહ્યો છે, ત્યારે બીજી તરફ મૃતદેહને લાવવા-લઈ જવા માટે પણ ખાનગી કંપની પર નિર્ભર રહેવુ પડ્યુ તે બાબત સ્થાનિક તંત્રની લાચારી અને પાયાની સુવિધાઓના અભાવને સ્પષ્ટપણે દર્શાવે છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.