આમોદ તાલુકામાં આવેલો આછોદ થી ઇટોલા થઈ કોલવણા સુધીનો મહત્વપૂર્ણ માર્ગ હવે નવી ચમક સાથે સજ્જ થવા જઈ રહ્યો છે. આશરે ૪.૧૨ કરોડ રૂપિયાના ખર્ચે થનારા રિસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત ડી.કે. સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું.
લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગના વિકાસથી આસપાસના ગામોમાં આવનજાવન સરળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.મળતી માહિતી મુજબ, લગભગ સાત કિલોમીટર લાંબા આ માર્ગની ખરાબ હાલતને કારણે સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન રસ્તાની હાલત વધુ ખરાબ બનતા અકસ્માતો નું જોખમ અને અવરજવરમાં ભારે વિલંબ થતો હતો.
હવે રિસરફેસિંગના કામથી માર્ગ સુગમ બનશે અને ગ્રામ્ય વિસ્તારોને સીધી અને સુરક્ષિત જોડાણ મળશે.સ્થાનિક લોકોની રજૂઆતને પગલે ધારાસભ્ય દ્વારા રાજ્ય સ્તરે રજૂઆત કરવામાં આવતા ગુજરાત સરકાર દ્વારા રોડના વિકાસ માટે નાણાં ફાળવવામાં આવ્યા હતા. કામને મંજૂરી મળતાં જ વિસ્તારના ગ્રામજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને લાંબા સમયથી અપેક્ષિત સુવિધા હવે હકીકત બનવા જઈ રહી છે.
ખાતમુહૂર્ત પ્રસંગે આમોદ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં અને ગ્રામજનો હાજર રહ્યા હતા. પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું કે માર્ગ વિકાસથી વિસ્તારમાં પરિવહન, વેપાર અને રોજિંદી જીવનની સુવિધાઓમાં વધારો થશે તેમજ ગામોના વિકાસને નવી દિશા મળશે.અંતમાં, વિસ્તારના લોકોએ લાંબા સમયથી રાહ જોવાતી સુવિધા સાકાર થવા બદલ સરકાર અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સમયસર અને ગુણવત્તાપૂર્વક કામ પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023