આમોદ તાલુકામાં આવેલ માનસંઘપુરા ગામની પવિત્ર દરગાહ શરીફ ખાતે હઝરત ઇસ્માઇલસાહ પીર બાવા અને હઝરત ઈમામુદ્દીન ઉર્ફે ગાંડા બાવાના ઉર્સ નિમિતે ધાર્મિક અને સામાજિક ભાવનાથી ભરપૂર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્સના આ પવિત્ર પ્રસંગે ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અકીદતમંદો, શ્રદ્ધાળુઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
ઉર્સની શરૂઆત દરગાહ ખાતે કુરઆનખ્વાની, સલાતો-સલામ અને ફાતેહા ખ્વાનીથી કરવામાં આવી હતી. ત્યારબાદ ખાસ દુઆઓનું આયોજન થયું હતું, જેમાં દેશ-દુનિયામાં શાંતિ, સૌહાર્દ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ઘણા શ્રદ્ધાળુઓએ દરગાહ પર હાજરી આપી પોતાની માનતાઓ વ્યક્ત કરી હતી અને પરંપરાગત રીતે ચાદર ચઢાવી અકીદત વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન દરગાહ કમિટી દ્વારા આવનાર ભક્તો માટે સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. પીવાના પાણી, બેસવાની વ્યવસ્થા, પાર્કિંગ અને નિયાજ વિતરણ જેવી સેવાઓમાં ગામના સેવાભાવી યુવાનો અને આગેવાનો સક્રિય રીતે જોડાયા હતા. ઉર્સના મુખ્ય આકર્ષણરૂપે વિશાળ નિયાજનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં આશરે ૨૫ દેગોમાં તૈયાર કરાયેલ ભોજન હજારો શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામમાં સામાજિક એકતા અને ભાઈચારા ના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં વિવિધ સમાજના લોકો એક સાથે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વર્ષોથી સતત યોજાતો આ ઉર્સ મહોત્સવ માત્ર ધાર્મિક આસ્થા જ નહીં પરંતુ માનવતા, એકતા અને સહઅસ્તિત્વના સંદેશને મજબૂત બનાવતો પ્રસંગ બની રહ્યો છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023