આમોદ: આમોદ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે સુરક્ષા અને સુવિધાની દ્રષ્ટિએ આજે એક ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. આમોદ નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા નવું અને અત્યાધુનિક ફાયર ફાઈટર ફાળવવામાં આવતા નગરજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. આ સુવિધા પ્રાપ્ત થવા પાછળ આમોદ-જંબુસર વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામીના સતત પ્રયત્નો અને રાજ્ય સરકારમાં કરેલી અસરકારક ભલામણો મુખ્ય કારણ રહી છે. અત્યાર સુધીની સ્થિતિ પર નજર કરીએ તો, આમોદ શહેર કે તાલુકાના અંતરિયાળ ગામોમાં જ્યારે પણ આગની દુર્ઘટના ઘટતી, ત્યારે સ્થાનિક વહીવટી તંત્રને જંબુસર, ભરૂચ કે દહેજ જેવા અન્ય કેન્દ્રો પર નિર્ભર રહેવું પડતું હતું. અન્ય શહેરોમાંથી ફાયર ફાઈટર આવતા કલાકોનો સમય વીતી જતો, જેના કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી અને જાન-માલનું ભારે નુકસાન થતું હતું. સ્થાનિક સ્તરે અગ્નિશમન દળનો અભાવ લાંબા સમયથી પ્રજા માટે ચિંતાનો વિષય હતો, જેનો હવે કાયમી ઉકેલ આવ્યો છે.
આ ભેટના લોકાર્પણ અર્થે આજરોજ નગરપાલિકાના પ્રાંગણમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના સદસ્યો, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિધિવત રીતે પૂજા-અર્ચના કરી, શ્રીફળ વધેરી અને મીઠાઈ વહેંચીને ફાયર ફાઈટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, હવે આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં ગોલ્ડન અવર માંજ કામગીરી શરૂ કરી શકાશે, જે નુકસાન ઘટાડવામાં મદદરૂપ થશે. આ સુવિધા મળતા જ આમોદ નગરપાલિકા આપત્તિ વ્યવસ્થાપન માટે વધુ સજ્જ બની છે. આમોદ પંથકની જનતાએ આ લોકભોગ્ય કામગીરી બદલ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. હવે આમોદ શહેરની સાથે સાથે આસપાસના ગ્રામ્ય પંથકને પણ આ અકસ્માત સામે રક્ષણ આપતી સેવાનો લાભ મળશે, જેનાથી સમગ્ર પંથકમાં સુરક્ષાનો અહેસાસ મજબૂત થયો છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023