Geo Gujarat News

આમોદ પંથકમાં કાળમુખો અકસ્માત, ટ્રક પાછળ બાઈક ભટકાતા ઇટોલાના વૃદ્ધનું કરૂણ મોત, સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું

આમોદ તાલુકાના કેરવાડા અને બુવા ગામ વચ્ચેના માર્ગ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર, ઇટોલા ગામના વતની ૬૨ વર્ષીય અબ્બાસ રહીમ જાદવ પોતાની મોટરસાયકલ નંબર GJ-06-MS-0812 પર સવાર થઈને કેરવાડાથી પોતાના ગામ ઇટોલા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગ પર જઈ રહેલા એક ટ્રક નંબર GJ-16-AW-6855 સાથે તેમની બાઈક ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક સવાર અબ્બાસભાઈને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં માર્ગ પર પટકાયા હતા.અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ માનવતા દાખવી ગંભીર રીતે ઘાયલ વૃદ્ધને તુરંત જ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે, કમનસીબે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અબ્બાસભાઈનું મોત નિપજવા પામ્યું હતું. એક સામાન્ય મુસાફરી આટલી અંતિમ સાબિત થશે તે વિચારીને જ પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કરૂણ ઘટનાને પગલે ઇટોલા ગામ સહિત સમગ્ર આમોદ પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.