Geo Gujarat News

હેરા ઇંગ્લિશ સ્કૂલનો રંગારંગ આનંદ મેળો, વિદ્યાર્થીઓની પ્રતિભાનો ઝળહળતો પ્રદર્શન

આમોદ શહેરના ચાર રસ્તા વિસ્તારમાં આવેલી હેરા ઇંગ્લિશ સ્કૂલ ખાતે આજરોજ રંગારંગ અને ઉત્સાહભર્યો આનંદ મેળો ધામધૂમથી યોજાયો હતો. મેળાનો શુભ પ્રારંભ સમાજસેવી સબ્બીર રજવીના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતથી જ વિદ્યાર્થીઓ અને શહેરવાસીઓમાં વિશેષ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને મહેનતના બળ પર વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી આકર્ષક ફૂડ ઝોન ઉભું કર્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ વાનગીઓનો આનંદ માણી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. વિદ્યાર્થીઓની વ્યવસ્થાપન ક્ષમતા અને આત્મવિશ્વાસ સ્પષ્ટ રીતે ઝળહળતા જોવા મળ્યા હતા.મેળામાં ગેમ ઝોન ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વિવિધ રમતોના આયોજનથી બાળકો અને યુવાનોમાં આનંદ સાથે સ્પર્ધાત્મક ભાવનાનો માહોલ સર્જાયો હતો. પરિવાર સાથે આવેલા લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મેળાની રોનક વધારી હતી.પ્રવેશ દ્વાર પર ઇસ્લામિક પરંપરા મુજબ મહેમાનોનું પવિત્ર ઝમઝમનું પાણી, ખજૂર અને ચા અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યું હતું અને સૌ માટે યાદગાર ક્ષણ બની રહી.સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ગીત, નૃત્ય અને વિવિધ કલાત્મક રજૂઆતો દ્વારા જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ આયોજન, આનંદ અને ઉત્સાહનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.આ આનંદ મેળામાં મોટી સંખ્યામાં ગામલોકો, વાલીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના સફળ આયોજન બદલ શાળા સંચાલક મંડળ અને સ્ટાફ દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ વિદ્યાર્થીઓની પ્રતિભા અને આત્મવિશ્વાસને બિરદાવવામાં આવ્યા હતા.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.