Geo Gujarat News

વાગરામાં મેડીકેર રાહત ફાર્મસીનો પ્રારંભ, વહોરા પટેલ પ્રોગ્રેસીવ ટ્રસ્ટ અને કે.પી. ગ્રુપની અનોખી સેવાકીય પહેલ.

સામાજિક ઉત્તરદાયિત્વ અને માનવતાના અભિગમ સાથે વાગરા નગરમાં એક નવીન અને જનકલ્યાણકારી સુવિધાનો ઉદય થયો છે. વહોરા પટેલ પ્રોગ્રેસીવ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ અને કે.પી. હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વાગરા ખાતે મેડીકેર રાહત ફાર્મસી કાર્યરત કરવામાં આવી છે, જેનાથી સ્થાનિક અને ગ્રામ્ય વિસ્તારના મધ્યમ તથા ગરીબ પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વાગરા પંચાયત કચેરીની નીચે શરૂ કરાયેલી આ ફાર્મસીનું ઉદ્ઘાટન કે.પી. ગ્રીન એન્જીનિયરિંગ લિ. ના ડાયરેક્ટર મોઈનુલ કડવાના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું. ભરૂચમાં છેલ્લા પાંચ વર્ષથી સફળતાપૂર્વક રાહત દરે દવાઓ પૂરી પાડ્યા બાદ સંસ્થાએ હવે વાગરાના ગ્રામીણ જનતાના આરોગ્યની ચિંતા વ્યક્ત કરી આ બીજી શાખાનો વિસ્તાર કર્યો છે.આ ફાર્મસીનો મુખ્ય ઉદ્દેશ્ય મોંઘી દવાઓના ભારણમાંથી સામાન્ય માણસને મુક્તિ અપાવવાનો છે. સંસ્થા દ્વારા જાહેર કરાયેલા લાભો મુજબ દરેક નાગરિકને તમામ દવાઓ પર ૧૭% ની સીધી રાહત આપવામાં આવશે. વધુમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન ઝકાતના હકદાર લોકોને દવાઓ પર ૪૦% જેટલી માતબર રાહત આપવામાં આવશે, જે ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સાથે જ અન્ય દિવસોમાં ઝકાતના હકદાર લોકોને ૩૨% સુધીનો લાભ મળી શકશે. આ વેળાએ કે.પી. ગ્રીન એન્જીનિયરિંગ લિ. ના ડાયરેક્ટર મોઈનુલ કડવાનાઓએ જણાવ્યું હતું, કે વાગરા પંથકના ગ્રામ્ય વિસ્તારો આરોગ્ય સુવિધાઓથી સજ્જ થાય અને જનકલ્યાણના કાર્યોમાં કે.પી. ગ્રુપ સહભાગી બને તેવો સંકલ્પ અમારા મેનેજિંગ ડાયરેક્ટર ડો.ફારૂકભાઈ પટેલનો છે. અમે સામાજિક ઉત્થાન માટે હંમેશા તત્પર રહીશું.આ પ્રસંગે આદમભાઈ આબાદ નગરવાલાએ સંસ્થાની ભવિષ્યની યોજનાઓ વિશે જણાવતા કહ્યું હતું કે, મેડિકલ ક્ષેત્રે લોકોની સેવા કરવા માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહેશે. કે.પી. ગ્રુપ દ્વારા પણ આહવાન કરવામાં આવ્યું હતું કે ગ્રામ્ય સ્તરે વધુમાં વધુ મેડિકલ સેન્ટરો અને આરોગ્ય સુવિધાઓ ઊભી થાય તે માટે તેઓ પૂરતો સહયોગ આપશે. આ ઉદ્ઘાટન પ્રસંગે વહોરા સમાજના અગ્રણીઓ જેમાં ઇકબાલભાઈ પાદરવાલા, કમરૂઝઝમાં મુન્શી, ભૂતપૂર્વ રજિસ્ટ્રાર ફારૂકભાઈ પટેલ, મોહમ્મદ માસ્તર, બચુશેઠ, WBVF ના મેનેજર, ડો.સિંગ, હરેશ પટેલ, ઇલ્યાસ ભાઈ સરનારવાળા, ઝહાંગીર માસ્ટર, તલ્હા પટેલ, WBVF ના મેનેજર મહંમદ ભોપા, જાબિર મુન્શી, ઇમરાન ભટ્ટી સહિત સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.