ભરૂચના રહાડપોર ગામ પાસે પોલીસના નામે સામાન્ય નાગરિકોને રંજાડતા અસામાજિક તત્વોનો એક ભયાનક ચહેરો સામે આવ્યો છે. શહેરના ભોલાવ વિસ્તારના રહીશ ૪૩ વર્ષીય ઉર્વીશ બીપીન મોદી પોતાની પત્ની તૃપ્તિબેનને સ્કૂલેથી લઈને એક્ટિવા પર પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા નકલી પોલીસે તેમનો રસ્તો રોક્યો હતો. રહાડપોર રોડ પર બાઈક સવાર શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી ઉર્વીશભાઈને અટકાવ્યા હતા અને વાહન પર નંબર પ્લેટ ન હોવા જેવા સામાન્ય મુદ્દે માનસિક દબાણ કરવાનું શરૂ કર્યું હતું.
આ શખ્સોએ સત્તાનો રોફ જમાવી તમે ત્રણ મહિનાથી હપ્તા ભરતા નથી. તેવા ખોટા આક્ષેપો કરી નાણાં પડાવવા માટે ધમકાવ્યા હતા.આ ઘટનાક્રમ દરમિયાન ઉર્વીશભાઈ ભારે માનસિક તણાવમાં આવી ગયા હતા. વાસ્તવમાં તેઓ હૃદયરોગની બીમારીથી પીડાતા હતા અને માત્ર એક અઠવાડિયા પહેલા જ તેમની સારવાર કરવામાં આવી હતી. નકલી પોલીસની ગુંડાગીરી અને જાહેરમાં મળેલી ધમકીઓને કારણે તેમનું હૃદય આ આઘાત જીરવી શક્યું નહીં. રસ્તા પર જ તેમને તીવ્ર હાર્ટ એટેક આવતા તેઓ પત્નીની નજર સામે જ ઢળી પડ્યા હતા. તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
મૃતકની પત્નીએ સિવિલ હોસ્પિટલ ખાતે હૈયાફાટ રુદન સાથે આક્ષેપ કર્યો હતો કે, તેમના પતિનો કોઈ વાંક નહોતો અને ગાડીના તમામ હપ્તા ભરેલા હતા, તેમ છતાં લૂંટના ઈરાદે આવેલા નકલી પોલીસના ત્રાસે તેમનો જીવ લીધો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી એ-ડિવિઝન પોલીસના પી.આઈ. સહિતનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો.
હાલમાં પોલીસે મૃતકના પરિજનોનું નિવેદન નોંધી, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે નિર્દોષ વ્યક્તિના મોતના જવાબદાર એવા નકલી પોલીસોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com