Geo Gujarat News

કરજણ: ચોરભુજ ગામે ભીષણ આગનો તાંડવ, શોર્ટ સર્કિટથી ત્રણ મકાનો બળીને ખાખ, ઘરવખરીનો સોથ વળ્યો..

કરજણ તાલુકાના ચોરભુજ ગામમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગામના પરમાર ફળિયામાં આવેલા એક મકાનમાં અચાનક આગ લાગ્યા બાદ જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના અન્ય બે મકાનો પણ આગની લપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગરીબ પરિવારોની આખી જિંદગીની મૂડી સમાન ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે.ઘટનાની વિગતો મુજબ ચોરભુજ ગામના પરમાર ફળિયામાં આવેલા એક બંધ મકાનમાં પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ગણતરીની મિનિટોમાં આગ એટલી પ્રચંડ બની હતી કે પવનના વેગે બાજુમાં આવેલા અન્ય બે મકાનોને પણ ઝપેટમાં લઈ લીધા હતા. મકાનોમાંથી ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ નીકળતી જોઈ ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક કરજણ ફાયર વિભાગને જાણ કરી હતી અને પોતે પણ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.આગની જાણ થતા જ કરજણ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટી હોનારત ટળી હતી. જોકે, આગ એટલી ભીષણ હતી કે ત્રણેય મકાનોમાં રહેલું અનાજ, કપડાં, ફર્નિચર અને અન્ય કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો છે. હાલમાં તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સદનસીબે જે સમયે આગ લાગી ત્યારે મકાનોમાં હાજર લોકો સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.