ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ વાલિયા પોલીસ મથકના પી.આઈ. એમ.બી. તોમર અને પી.એસ.આઈ. કે.બી. ડોડિયાની ટીમે વીજ કંપનીના અધિકારીઓ સાથે મળીને ગુનાહિત માનસ ધરાવતા શખ્સો વિરુદ્ધ એક વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઓપરેશન દરમિયાન વાલિયાના અલગ-અલગ ચાર ગામોમાં લંગરિયા નાખીને ગેરકાયદેસર રીતે વીજળીનો વપરાશ કરતા અસામાજિક તત્વો ઝડપાયા હતા. પોલીસે આ કાર્યવાહીમાં કુલ ચાર શખ્સોના ઘરેથી ગેરરીતિ પકડી પાડી તેમને કુલ 2 લાખનો તોતિંગ દંડ ફટકાર્યો છે.
તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, રાજપરા ગામનો ધર્મેશ ઉર્ફે ધમો વસાવા, પીઠોરનો નરેશ વસાવા, વિઠ્ઠલ ગામનો રાહુલ વસાવા અને પણસોલી ગામનો અરુણ વસાવા કોઈ પણ પ્રકારના કાયદેસરના વીજ મીટર વગર ડાયરેક્ટ લાઈન ખેંચીને વીજ ચોરી કરી રહ્યા હતા. વીજ ટીમોએ સ્થળ પર જ પંચનામું કરી આ લંગરિયા દૂર કર્યા હતા અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવા બદલ આ ચારેય ઈસમો સામે કડક દંડનીય કાર્યવાહી કરી છે.
પોલીસની આ આક્રમક કાર્યવાહીથી સમગ્ર વાલિયા તાલુકામાં ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને અસામાજિક તત્વો જેઓ કાયદાની ઐસીતૈસી કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય છે, તેમના માટે આ એક કડક ચેતવણી સમાન કિસ્સો બન્યો છે. વાલિયા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, આગામી દિવસોમાં પણ વીજ કંપની સાથે મળીને આવી ઓચિંતી તપાસ ચાલુ રાખવામાં આવશે અને ગેરકાયદેસર વીજ જોડાણો ધરાવનારાઓ સામે કોઈ પણ જાતની રહેમ રાખવામાં આવશે નહીં.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com