Geo Gujarat News

ભરૂચ: પવિત્ર રમઝાન માસમાં ટ્રાફિકના ચક્કાજામથી જનતા પરેશાન, વિપક્ષી નેતાએ તંત્ર સામે સુચારુ વ્યવસ્થાની માંગ કરી

ભરૂચ શહેરમાં પવિત્ર રમઝાન માસની શ્રદ્ધાભેર ઉજવણી થઈ રહી છે. ત્યારે બીજી તરફ ટ્રાફિકની વકરતી સમસ્યાને લઈને પાલિકાના વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદે તંત્ર સામે લાલ આંખ કરી છે. તેમણે વહીવટી તંત્રને લેખિત પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે, ઇફ્તાર અને તરાવીહના પવિત્ર સમયે શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારોને કારણે જનજીવન ઠપ્પ થઈ રહ્યું છે. આ ગંભીર મુદ્દે ટ્રાફિક પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવે તેવી તેમણે ભારપૂર્વક અપીલ કરી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર ભરૂચના ભોલાવ ઢાળથી લઈને મદીના હોટલ સુધીનો માર્ગ, મોહંમદપુરા બાયપાસ, સિફા સર્કલ અને ફાટાતળાવ જેવા ગીચ વિસ્તારોમાં સાંજના સમયે સ્થિતિ અત્યંત દયનીય બને છે. રસ્તાઓ પર ટ્રાફિક જામને કારણે રોજદારો સમયસર ઘરે પહોંચી શકતા નથી અને વેપારીઓના ધંધા-રોજગાર પર પણ તેની માઠી અસર પડી રહી છે. સૌથી ચિંતાજનક પાસું એ છે કે, આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર જેવા ઈમરજન્સી વાહનો ફસાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જે કોઈ મોટી હોનારત નોતરી શકે છે.​વિપક્ષી નેતાએ માંગ કરી છે કે, રમઝાન દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના ટ્રાફિક પોલીસ પોઈન્ટ્સ મૂકવામાં આવે અને જરૂર જણાય ત્યાં ટ્રાફિક ડાયવર્ઝન આપવાની સાથે પાર્કિંગની યોગ્ય સુવિધા ઉભી કરવામાં આવે. તેમણે તંત્રને ટકોર કરી છે કે જો સમયસર આયોજન નહીં કરવામાં આવે તો નાગરિકોની હાલાકીમાં વધારો થશે. હવે જોવાનું એ રહે છે કે વિપક્ષની આ રજૂઆત બાદ તંત્ર દ્વારા રસ્તાઓ પરની ભીડ ઓછી કરવા કેવા નક્કર પગલાં લેવામાં આવે છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.