Geo Gujarat News

ભરૂચ: બોર્ડ પરીક્ષાને લઈને તંત્ર સજ્જ, શિક્ષણ વિભાગે જાહેર કરી ગાઈડલાઈન, મુશ્કેલીના સમયે રિક્ષા એસોસિએશન આપશે ફ્રી સેવા

આગામી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. પરીક્ષાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવા અને કોઈ પણ જાતની નકારાત્મક અફવાઓથી દૂર રહી આત્મવિશ્વાસ સાથે પેપર લખવા પ્રોત્સાહિત કર્યા છે. આ સાથે જ વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ બાળકો પર વધુ પડતા ગુણ લાવવાનું દબાણ કરવાને બદલે તેમને હકારાત્મક ટેકો પૂરો પાડે. વિદ્યાર્થીઓની સુવિધા અને કોઈપણ આકસ્મિક મૂંઝવણના નિરાકરણ માટે શિક્ષણ વિભાગ દ્વારા સમર્પિત હેલ્પલાઈન નંબર 02642-240424 કાર્યરત કરવામાં આવ્યો છે. વધુમાં, કોઈપણ કટોકટીની સ્થિતિમાં વિદ્યાર્થીઓ પોલીસ હેલ્પલાઈન 112 ની મદદ પણ લઈ શકશે. તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવાની સાથે વિદ્યાર્થીઓને માનસિક શાંતિ મળે તેવું સુવ્યવસ્થિત માળખું ઊભું કરવાનો છે.આ શૈક્ષણિક યજ્ઞમાં સામાજિક જવાબદારી નિભાવતા ભરૂચ જિલ્લા રિક્ષા એસોસિએશન દ્વારા એક પ્રેરણાદાયી જાહેરાત કરવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખ આબીદ મિર્ઝાએ જણાવ્યું છે કે, પરીક્ષાના દિવસોમાં જો કોઈ વિદ્યાર્થી મુશ્કેલીમાં મુકાય અથવા વાહન ન મળવાને કારણે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં વિલંબ થાય તેમ હોય, તો તેને નિઃશુલ્ક રિક્ષા સેવા પૂરી પાડવામાં આવશે. આ સુવિધા માટે એસોસિએશન દ્વારા ખાસ હેલ્પલાઈન નંબર 8733013547 જાહેર કરાયો છે. શિક્ષણ વિભાગ, પોલીસ અને રિક્ષા ચાલકોના આ સંયુક્ત પ્રયાસોને ભરૂચની જનતા આવકારી રહી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.