જંબુસર શહેરમાં પીવાના પાણીનો વેડફાટ કરી રસ્તાઓ પર પાણી ઢોળતા બેજવાબદાર નાગરિકો સામે નગરપાલિકા તંત્રએ આકરું વલણ અપનાવ્યું છે. નગરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેવડાવી ગંદકી અને હાલાકી ઊભી કરતા મિલકતધારકોના નળ કનેક્શન કાપી નાખવાની સપાટો બોલાવતા પાણીનો બગાડ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
નગરના મુખ્ય માર્ગો અને મહોલ્લાઓમાં સતત પાણી વહેતું રહેવાના કારણે પાકા રસ્તાઓને નુકસાન થવાની સાથે રાહદારીઓને પણ પસાર થવામાં મુશ્કેલી પડતી હતી. આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે ચીફ ઓફિસર આર.એફ. પટેલ અને નગરપાલિકા પ્રમુખ અમિષાબેન શાહ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી. જેના પગલે પાણી પુરવઠા શાખાના એમ.કે. મકવાણા અને તેમની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
નગરપાલિકાની ટીમ દ્વારા જંબુસરના વાઘેલા વાસ, મંગણાદી ભાગોળ, માંડવ ફળિયા, જુમ્મા મસ્જિદ અને સોદાગરની વાડી જેવા ગીચ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. જ્યાં મિલકતધારકો દ્વારા પીવાના પાણીનો બગાડ કરી રસ્તા પર પાણી છોડવામાં આવતું હતું, ત્યાં સ્થળ પર જ નળ કનેક્શન કાપી નાખવાની કામગીરી કરવામાં આવી હતી. પાલિકાની આ આકરી કાર્યવાહીથી સમગ્ર શહેરમાં ચર્ચાઓ જાગી છે.
પાલિકાના અધિકારી એમ.કે. મકવાણાએ મીડિયાને જણાવ્યું હતું કે, પીવાના પાણીની કિંમત સમજવાને બદલે જે લોકો રસ્તા પર પાણી ઢોળી જાહેર માર્ગો બગાડે છે તેમની સામે કોઈ પણ પ્રકારની સાડાબારી રાખવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ શહેરના અન્ય વિસ્તારોમાં ચાલુ રાખવામાં આવશે અને જે પણ મિલકતધારક પાણીનો બગાડ કરતા ઝડપાશે, તેમનું કનેક્શન તુરંત કાપી નાખવામાં આવશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com