ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં નશાના વેચાણ અંગે મળેલી બાતમીના આધારે GIDC પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઓમનગરના એક મકાનમાં ગાંજાનું છૂટક વેચાણ કરતી બિહારની એક મહિલાને પોલીસે રફ્તાર કરી છે. પોલીસના આ દરોડામાં આશરે 20 કિલોથી વધુ ગાંજો અને અન્ય સાધનો મળી કુલ 10,19,050નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. GIDC પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસે ઓમનગરના મકાન નંબર 1માં ઓચિંતો દરોડો પાડ્યો હતો. અહીં રહેતી 34 વર્ષીય જ્યોતિકુમારી દીપકકુમાર મંડલના ઘરની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી મહિલાએ બેડરૂમમાં કબાટની અંદર ખાસ બનાવેલા ચોરખાનામાં ગાંજાની નાની-નાની પડિકીઓ છુપાવી હતી. એટલું જ નહીં, બાથરૂમમાં રાખેલા મોટા પ્લાસ્ટિકના ડ્રમમાંથી પણ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ડિજિટલ વજન કાંટો અને પેકિંગ માટેની પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત કરી છે.
પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આ નશાનો સામાન બિહારના ભાગલપુર જિલ્લાના મિથુન પ્રકાશ મંડલ નામના શખ્સે મોકલાવ્યો હતો. જ્યોતિકુમારી આ જથ્થામાંથી નાની પડિકીઓ બનાવીને સ્થાનિક સ્તરે તેનું વેચાણ કરતી હતી. પોલીસે આ મામલે જ્યોતિકુમારીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સપ્લાયર મિથુન મંડલને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ તેજ કરી છે.
આ સમગ્ર કાર્યવાહીમાં પુરાવાઓની ચોકસાઈ માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને FSLના અધિકારીઓની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી નશાના આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com