Geo Gujarat News

અંકલેશ્વર: બાઇક ચોરતી ગેંગનો પર્દાફાશ, પાંચ મોટરસાયકલ સાથે બે વાહનચોર અને ગેરેજ સંચાલક ઝડપાયા

ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં સતત વધી રહેલી વાહનચોરીની ઘટનાઓને રોકવા માટે GIDC પોલીસ મથકની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પાંચ ચોરાયેલા વાહનો રિકવર કરીને આંતરજિલ્લા સ્તરે સક્રિય વાહનચોર ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. તાજેતરમાં ભડકોદ્રાના એપલ પ્લાઝા અને સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા પાર્કિંગમાંથી બે મોટરસાયકલોની ચોરી થઈ હતી. આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ તેજ કરી હતી. પોલીસને મળેલી સચોટ બાતમીના આધારે ભડકોદ્રાના અયોધ્યા નગરના રહેવાસી મયુર વિજય બોરસે અને આયુષકુમાર વિનોદસિંગની અટકાયત કરવામાં આવી હતી. આ બંને શખ્સોની કડક પૂછપરછમાં તેમણે અંકલેશ્વરના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ પાંચ બાઇકોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસ પૂછપરછમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. ચોરી કરેલા વાહનોને ઠેકાણે પાડવા માટે આ તસ્કરો કોસમડી વિસ્તારમાં આવેલા ‘આયાના ઓટો ગેરેજ’નો સહારો લેતા હતા. ગેરેજ માલિક મોહમ્મદ અનસ સમસૂલ હસન સિદ્દીકી સસ્તા ભાવે આ ચોરાયેલા વાહનો ખરીદી લેતો હતો. પોલીસે ગેરેજ સંચાલકને પણ સહ-આરોપી તરીકે ઝડપી પાડી તેની પાસેથી તમામ પાંચ બાઇકો કબજે કરી છે. અંકલેશ્વર GIDC પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ચોરી અને મુદ્દામાલ છુપાવવાના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગે અન્ય કોઈ વિસ્તારમાં વાહનચોરીને અંજામ આપ્યો છે કે કેમ, તે દિશામાં પણ રિમાન્ડ મેળવીને વધુ તપાસ કરવામાં આવશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.