ઉત્તર ગુજરાતના ઊંઝા-મહેસાણા હાઈવે પર આજે શનિવારે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઉનાવા નજીક આવેલી હોટલ કોમફી સામે રાજસ્થાનથી પરત ફરી રહેલા કુમાવત પરિવારની ઇકો ગાડી બેકાબૂ બની ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અકસ્માતમાં માસૂમ બાળક સહિત કુલ 5 લોકોના કરુણ મોત નીપજ્યાં છે.
મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના ભાવનગરના વતની અને હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા કુમાવત પરિવારના સભ્યો રાજસ્થાનમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઇકો ગાડીમાં અમદાવાદ પરત ફરી રહ્યા હતા. વહેલી સવારે ઉનાવા પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી જોરદાર રીતે ડિવાઈડર સાથે ટકરાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ચીસાચીસ મચી ગઈ હતી.
આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ શ્વાસ થંભી ગયા હતા, જેમાં રામલાલ કુમાવત, કોમલ કુમાવત, કૈલાશભાઈ કુમાવત અને એક માસૂમ બાળકનો સમાવેશ થાય છે. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત મંથરાદેવીનું મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સિવાય ગાડીમાં સવાર અન્ય 6 સભ્યોને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં મદનસિંહ, જમનીબેન, મમતાબેન અને રાકેશ સહિતના સભ્યોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ ઉનાવા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પતરાં ચીરીને મૃતદેહો તેમજ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી, જેને પોલીસે પૂર્વવત કરાવી હતી. હાલમાં ચાર મૃતદેહોને ઉનાવા CHC ખાતે રાખવામાં આવ્યા છે અને પરિવારના અન્ય સભ્યો આવ્યા બાદ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. લગ્નની ખુશીઓ વચ્ચે અચાનક કાળનો પંજો ફરી વળતા આખું ગામ અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com