Geo Gujarat News

ભરૂચ: સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ, સખી મંડળોની હસ્તકલા અને સ્વાદિષ્ટ વાનગીઓ બનશે આકર્ષણનું કેન્દ્ર

મહિલા સશક્તિકરણને વેગ આપવા અને વોકલ ફોર લોકલના અભિયાનને સાચા અર્થમાં સાર્થક કરવાના ઉદ્દેશ્ય સાથે ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આજથી શરૂ થયેલા આ મેળાનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આગામી 1 માર્ચ સુધી ચાલનારા આ મેળામાં શહેરી આજીવિકા મિશન હેઠળ કાર્યરત સખી મંડળોને પોતાની કળા અને કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે એક સુવ્યવસ્થિત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.મેળામાં વિવિધ સખી મંડળો દ્વારા 40 થી વધુ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં શુદ્ધ ઘરગથ્થુ મસાલા, હાથવણાટની વસ્તુઓ, સજાવટના નમૂનાઓ અને પરંપરાગત ખાદ્યપદાર્થોનું સીધું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાનો અને વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાનો છે. ઉદ્ઘાટન પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.આ મેળાની ખાસિયત એ છે કે અહીં મધ્યમ વર્ગના પરિવારોની બહેનો દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે. સહભાગી બહેનોએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા વિનામૂલ્યે સ્ટોલ્સ ફાળવવામાં આવતા તેમને મોટું બજાર મળ્યું છે, જે તેમની આવક વધારવામાં મદદરૂપ થશે. ભરૂચના નગરજનોને પણ આ મેળાની મુલાકાત લઈ સ્વદેશી ચીજો અપનાવવા અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.