Geo Gujarat News

ભરૂચ: સફાઈ કામદારોના સીટી નાદ વચ્ચે શહેર કચરાપેટીમાં ફેરવાયું, કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતની આશંકા!

સ્વચ્છ ભારત અભિયાનના બણગા ફૂંકતા ભરૂચ નગરપાલિકાના તંત્રની પોલ આજે સરેઆમ ખુલ્લી પડી ગઈ છે. શહેરને સાફ રાખતા ડોર-ટુ-ડોર કચરા કલેક્શનના શ્રમિકો છેલ્લા પાંચ મહિનાથી એક-એક રૂપિયો મેળવવા માટે વલખાં મારી રહ્યા છે. કામદારોનો આક્ષેપ છે કે પ્રત્યેક કર્મચારીના અંદાજે ૭૦ હજાર રૂપિયા જેટલા લેણાં નીકળે છે. પેટનો ખાડો પૂરવા માટે જ્યારે પગાર નથી મળતો, ત્યારે કંટાળેલા કામદારોએ આખરે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આ હડતાળના ત્રીજા દિવસે ઝાડેશ્વર વિસ્તારમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે હચમચાવી દેનારા હતા; હંમેશા ગલીઓમાં સ્વચ્છતા માટે વાગતી સીટી આજે વિરોધનું માધ્યમ બની હતી અને સેંકડો કામદારોએ એકસાથે સીટી વગાડી તંત્રના બહેરા કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.આ આંદોલનની સીધી અસર ભરૂચના જનજીવન પર પડી છે. શહેરના સોસાયટી વિસ્તારો, પોળ અને મુખ્ય માર્ગો પર છેલ્લા ત્રણ દિવસથી કચરો ઉપાડવામાં આવ્યો નથી, જેના કારણે ઉનાળાની શરૂઆતમાં જ ગંદકીના ગંજ ખડકાતા દુર્ગંધ ફેલાઈ રહી છે. આ સ્થિતિ જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહી છે. ખાસ કરીને પવિત્ર રમઝાન માસમાં જ્યારે લોકો મસ્જિદો અને બજારોમાં વધુ સંખ્યામાં ઉમટી રહ્યા છે, ત્યારે ઠેર-ઠેર કચરાના ઢગલા શહેરની સુંદરતાને ડાઘ લગાડી રહ્યા છે. સ્થાનિક રહીશોમાં પણ ભારે આક્રોશ છે કારણ કે ટેક્સ ભરવા છતાં તેમને મૂળભૂત સફાઈ સુવિધાથી વંચિત રહેવું પડી રહ્યું છે.નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચેનો ગજગ્રાહ હવે શ્રમિકોના જીવન પર આફત બનીને તૂટી પડ્યો છે. ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ એવો દાવો કરી રહ્યા છે કે પાલિકાએ કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવી દીધા છે, તો બીજી તરફ કોન્ટ્રાક્ટર શ્રમિકોને પગાર આપતો નથી. આ બાબત સીધો ઈશારો કરે છે કે ક્યાં તો કોન્ટ્રાક્ટર નાણાં દબાવીને બેઠો છે અથવા તંત્ર દ્વારા તેના પર કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી. કામ લીધા પછી દામ નહીં આપવાની આ નીતિએ સેંકડો શ્રમિકોના ઘરના ચૂલા બંધ કરી દીધા છે. જો આજ સાંજ સુધીમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, તો ભરૂચમાં ગંદકીની સમસ્યા વધુ વિકરાળ બને તેવી પૂરેપૂરી શક્યતા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.