વડોદરાના તરસાલી વિસ્તારમાં MGVCLની એક બોલેરો ગાડીએ સર્જેલા ફિલ્મી અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બંસલ મોલની સામે બનેલી આ ઘટનામાં વીજ કંપનીના કર્મચારીઓ ભરેલી એક બોલેરો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર એટલી બેકાબૂ બની હતી કે તે રોડ વચ્ચેનું ડિવાઈડર કૂદીને સીધી સામેના એક મકાનની કમ્પાઉન્ડ વોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ જોરદાર ટક્કરને કારણે મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી અને ગાડી મકાનના આંગણામાં ઘૂસી ગઈ હતી.
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, રસ્તાની એક બાજુ ઉભેલી ગાડી અચાનક ચાલુ થઈને વળાંક લેતા સમયે બેકાબૂ બની ડિવાઈડર ઉપરથી ઉછળી હતી. જો તે સમયે રસ્તા પર કોઈ રાહદારી કે વાહનચાલક હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત, પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જાયા બાદ ગાડીમાં સવાર MGVCLના ચારેય કર્મચારીઓ વાહનને ત્યાં જ રેઢું મૂકીને નાસી છૂટ્યા હતા.
આ અકસ્માતને પગલે આસપાસના રહીશોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળ્યો હતો. મકાન માલિકને આ ઘટનામાં મોટું આર્થિક નુકસાન થયું છે. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે ગાડીમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે પછી ચાલકની બેદરકારીને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com