મોરબી શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થ વિક્રેતાઓ સામે મહાનગરપાલિકાની ફૂડ શાખાએ લાલ આંખ કરી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ અને બેકરીઓ સહિત કુલ 56 સ્થળોએ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સપાટા દરમિયાન મોટાપાયે અનિયમિતતાઓ સામે આવતા ફૂડ ઇન્સ્પેક્ટરોએ 32 જેટલા ધંધાર્થીઓને કડક નોટિસ ફટકારી છે અને શંકાસ્પદ તથા અખાદ્ય સામગ્રીનો ઘટનાસ્થળે જ નાશ કર્યો છે.
તંત્રની આ કાર્યવાહી રવાપર રોડ, લાલબાગ અને ગાંધીચોકની પ્રખ્યાત નાસ્તાગલી જેવા વ્યસ્ત વિસ્તારોમાં કેન્દ્રિત રહી હતી. તપાસ દરમિયાન અનેક જાણીતા એકમોમાં સ્વચ્છતાનો અભાવ, ફૂડ લાયસન્સની ગેરહાજરી, ખાદ્ય પદાર્થોમાં પ્રતિબંધિત કલરનું મિશ્રણ અને વાસી ખોરાક જેવી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. ખાસ કરીને જે.કે. હોટલ, શિવ પાંવભાજી અને ગુરુકૃપા પાંવભાજી જેવા સ્થળોએથી અખાદ્ય કલર અને વાસી ખોરાકનો જથ્થો ઝડપાયો હતો, જ્યારે ભવાની સ્વીટમાંથી એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવી ચીજવસ્તુઓ મળી આવતા તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું.
ફૂડ શાખાની આ કાર્યવાહીથી ખાણી-પીણીના બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પ્રજાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા કોઈપણ વેપારીને બક્ષવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવશે અને જો સુધારા નહીં જણાય તો જે-તે એકમોને સીલ કરવા સુધીનાં પગલાં પણ લેવામાં આવી શકે છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com