પવિત્ર રમઝાન માસ એટલે માત્ર ભૂખ્યા-તરસ્યા રહેવું નહીં, પરંતુ મન અને ઇન્દ્રિયો પર કાબૂ રાખી અલ્લાહની નિકટ જવાનો અવસર, આ આકરા સંયમ અને સમર્પણના પર્વમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે એક હૃદયસ્પર્શી દ્રશ્ય સર્જાયું છે. જીતાલીના અશરફ પાર્ક ફળિયામાં રહેતા ઈરફાન સૈયદની ૮ વર્ષની પુત્રી અનીસાએ આ નાની ઉંમરે પોતાનો પ્રથમ રોજો પૂર્ણ કરી અલ્લાહની રાહ પર મક્કમ ડગ માંડ્યા છે.રમત-ગમતની ઉંમરે જ્યારે બાળકો ખાવા-પીવાની જીદ કરતા હોય છે, ત્યારે અનીસાએ આકરી ગરમી અને દિવસભરના ભૂખ-તરસના પડકારને હસતા મુખે સ્વીકાર્યો હતો. વહેલી સવારે સેહરીથી લઈને સાંજે ઈફ્તાર સુધીના કલાકો અનીસાએ અતૂટ શ્રદ્ધા સાથે પસાર કર્યા હતા. નાનકડી અનીસાએ માત્ર રોજો જ ન રાખ્યો, પરંતુ દિવસભર નમાઝ પઢી અલ્લાહની બંદગીમાં સમય વિતાવીને સાચા અર્થમાં રમઝાનના મૂલ્યોને આત્મસાત કર્યા હતા
પુત્રીની આ હિંમત અને ધર્મ પ્રત્યેની આસ્થા જોઈ પિતા ઈરફાન સૈયદ અને સમગ્ર પરિવાર ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. સાંજે જ્યારે ઈફ્તારનો સમય થયો ત્યારે પરિવારના સભ્યોએ અનીસાને ફૂલહાર પહેરાવી અને મીઠાઈ ખવડાવીને તેની આ સિદ્ધિને વધાવી લીધી હતી. ઘરના વડીલોએ આ માસૂમ બાળકીના શિરે હાથ મૂકી તેને દુઆઓ આપી હતી.પોતાનો પ્રથમ રોજો પૂર્ણ કર્યા બાદ અનીસાએ અત્યંત માસૂમિયતથી અલ્લાહના દરબારમાં હાથ ફેલાવી દુઆ માંગી હતી. તેણે માત્ર પોતાના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. જીતાલી ગામની આ ૮ વર્ષની બાળકીએ સાબિત કર્યું છે કે ભક્તિ કરવા માટે ઉંમર કરતાં પણ મનનો મક્કમ નિર્ધાર અને ઈશ્વર પ્રત્યેનો સાચો પ્રેમ વધુ મહત્ત્વનો છે. અનીસાની આ નન્હી ઈબાદત આજે સમગ્ર પંથકમાં પ્રેરણાસ્ત્રોત બની છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com